ઈજાગ્રસ્તે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે એક વૃદ્ધે વ્યાજે લીધેલ નાણાં ની શાહુકારે પઠાણી ઉઘરાણી કરી હુમલો કરી માર મારતાં દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ સંદર્ભે વૃદ્ધે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉમરાળા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઉમરાળા ગામે રહેતા કનૈયાલાલ શામજીભાઈ ઊંડવીયા ઉ.વ.65ના એ આજથી ચાર વર્ષ પૂર્વે નાણાની જરૂરિયાત ઉભી થતાં રતનપર ગામનાં દશરથ સિંહ ગોહિલ નામનાં વ્યાજખોર પાસેથી ત્રણ ટકા ના વ્યાજદરે રૂપિયા બે લાખ લીધા હતા દરમ્યાન સમય પસાર થવા છતાં નાણાં પરત ન કરી શકતા વ્યાજખોર શખ્સે વૃદ્ધ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ગઈ કાલે ફરિયાદી કનૈયાલાલ તેમના પત્ની સાથે મંદિરે દર્શન કરવા જતાં શાહુકાર દશરથ ત્યાં પહોંચી ગયો હતો અને વ્યાજની માંગ કરતાં વૃદ્ધે હમણાં સગવડ નથી તેમ જણાવતાં શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધ ની પત્ની વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો દરમ્યાન ઈજાગ્રસ્ત દંપતી ને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં આ બનાવ અંગે કનૈયાલાલ એ શાહુકાર દશરથ ગોહિલ વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે તપાસ હાથ ધરી છે.