દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડામાં સરેરાશ 15 ટકા જેટલો ભાવ વધારો
રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા બે વર્ષથી મોટા ભાગના તહેવારોની ઉજવણીઓ બંધ હતી. જોકે, હાલ કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થતા મહદંશે સરકાર દ્વારા ધીમે-ધીમે તહેવારોમાં નિયમો સાથે ઉજવણીની છૂટો આપી છે. જેથી લોકો આગામી દિવાળી તહેવારને લઈ ઉજવણી કરવામાં વ્યસ્ત બન્યા છે. દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગરમાં ફટાકડા વિતરકોના વેપારીઓ દ્વારા સ્ટોલ નખાઈ ગયા છે. શહેર-જિલ્લામાં સ્ટોલ માટે કુલ 600 કરતા વધારે અરજીઓ આવી છે, પણ કોરોના મહામારી તેમજ મોંઘવારીને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે જવાહર મેદાનમાં સ્ટોલની સંખ્યા ઘણી ઓછી છે. મોંઘવારીને લઈ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી મોંઘી બની રહેશે, છતાં પણ આ વર્ષે લોકો ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવાના મૂડમાં છે.
ભાવનગરના જુના બંદર રોડ પર આવેલા કામધેનુ ગૌશાળા દ્વારા આ વર્ષે તદ્દન વ્યાજબી અને ઓછી કિંમતે ફટાકડાનો સેલ ગૌશાળા ખાતે જ શરૂ કરવામાં આવ્યો છે. જેનો હેતુ માત્ર ગાયોની સેવા અર્થે હોવાથી ભાવનગરની જનતાને ફટાકડા ખરીદવા માટે આહવાન કરવામાં આવ્યું છે. કામધેનુ ગૌશાળા દ્વારા ફટાકડાના વેચાણ બાદ જેટલો પણ નફો થશે તે ગાયોની સેવા અર્થે વાપરવામાં આવશે તેવું ગો સેવક દ્વારા જણાવ્યું હતું.
દિવાળીને માત્ર હવે ગણતરીના દિવસો જ રહ્યા છે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડામાં સરેરાશ 15 ટકા જેટલો ભાવ વધારો છે. ફટાકડામાં આ વર્ષે અનેક નવી વેરાયટીઓ પણ બજારમાં આવી છે. જેમ કે, બાળકો માટે દોરીવાળા પોપ, નવીન ફુલજર, હેલિકોપ્ટર શોટ, આકાશી રોકેટ સહિતની અનેક વેરાયટીઓ ફટાકડામાં નવીન આવી છે, જે દરેક આઈટમ કામધેનુ ગૌશાળા ખાતે લોકો માટે ઉપલબ્ધ છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. શિવાકાશીમાં પ્રતિબંધો અને ભારે વરસાદને કારણે ફટાકડાના ઉત્પાદનમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. જેની સીધી અસર ભાવનગરમાં ફટાકડાના ભાવ પર પડી છે. જોકે, આગામી દિવસોમાં પગાર અને બોનસ આવી જતા ઘરાકી વધશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. તમિલનાડુમાં શિવાકાશી પહેલેથી જ દેશભરમાં ફટાકડા પૂરા પાડતી રહી છે, પરંતુ આ વખતે ત્યાં ગુજરાત કરતા પણ વધુ સમય લોકડાઉન ચાલતા અને વરસાદ પણ વધુ વરસતા ઉત્પાદન ચોથા ભાગનું થયું છે. જેથી ભાવ વધ્યા છે.