પાલીતાણા માનવડ મોડેલ સ્કુલના ચાર વિદ્યાથી અને શિક્ષકનુ નાસા દ્રારા પ્રમાણપત્ર આપી વિશેષ સંન્માન કરાયું

128

પાલીતાણા ખાતે આવેલી મોડેલ સ્કૂલ માનવડનાં વિદ્યાર્થીઓ એ લઘુગ્રહ શોધ અભિયાનમાં ભાગ લઈ અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલાબ્રેશન અને અમદાવાદની ખોજ મ્યુઝીયમ નામની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિવિધ સિટિઝન સાયન્સ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે જેમાં સામાન્ય નાગરીકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ચાલી રહેલાં શોધ અને સંશોધનોમાં પોતાનું યોગદાન આપી શકે છે. આવો જ એક પ્રોગ્રામ ઓક્ટોબર મહિના દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ભાગલેનારે નાસાનાં પાનસ્ટાર નામનાં ટેલિસ્કોપ દ્વારા મંગળ અને ગુરુનાં ગ્રહોની વચ્ચે આવેલ લઘુગ્રહોનાં પટ્ટામાં રહેલાં અજ્ઞાત પદાર્થોને શોધવાનાં હતાં. પાલીતાણાની મોડેલ સ્કૂલ માં અભ્યાસ કરતાં ચાર બાળકો ગોહિલ ધ્રુવિતા ભરતભાઈ, પરમાર યશ, ચૌહાણ આદિત્ય, હરમાણી પ્રિયાંશુ તેમજ શાળામાં ફરજ બજાવતાં શિક્ષક અન્સાર પરવેઝે પણ આ લઘુગ્રહ શોધ અભિયાનમાં ભાગ લીધો હતો. સમગ્ર મહિનાની કામગીરીને અંતે આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા શોધાયેલ એક-એક અજ્ઞાન પદાર્થને નાસા દ્વારા પ્રાયમરી ડિસ્કવરી તરીકે માન્ય રાખ્યો હતો. એટલે કે આ વિદ્યાર્થીઓ દ્વારા શોધાયેલ આ પદાર્થોનો નાસાનાં નિષ્ણાંત વૈજ્ઞાનિકો હવે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. અને જો યોગ્ય પરીણામો પ્રાપ્ત થશે તો આ અજ્ઞાત પદાર્થોને લઘુગ્રહો તરીકે જાહેર કરવામાં આવશે. નાસા દ્વારા વિદ્યાર્થીઓનાં યોગદાન બદલ તેમને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતુ. તમામ વિદ્યાર્થીઓએ આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં આંતરરાષ્ટ્રિય સ્તરે ચાલી રહેલાં લઘુગ્રહ સંશોધનમાં પોતાનો ફાળો આપ્યાં નો સંતોષ વ્યક્ત કર્યો હતો. અને અભ્યાસની સાથે સાથે આ સિટિઝન સાયન્સ પ્રોગ્રામમાં પ્રાપ્ત થયેલાં પોતાનાં અનુભવો વ્યક્ત કર્યા હતાં તેમજ ભવિષ્યમાં અવકાશવિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.શાળાનાં આચાર્ય શ્રી સુરેન્દ્રકુમાર દામા સાહેબે પણ વિદ્યાર્થીઓની આ સિધ્ધિને બિરદાવી હતી. અને આવી આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનો કરવા માટે પ્રેરીત થતાં હોવાનું જણાવ્યું હતું. તેમજ ભવિષ્યમાં શાળાનાં વધુને વધુ વિદ્યાર્થીઓને આવા અભિયાનોમાં જોડાઈ પોતાનાં જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાંનો અને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કર્યા હતાં. એક સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું આ યોગદાન અને તેમની આ સિધ્ધિ ખૂબ જ સરાહનિય છે.

Previous articleગુજરાત સ્ટેટ યોગાસનની રીધમીક પેરમાં ઇશીતા ચુડાસમા પ્રથમ નંબરે
Next articleરાષ્ટ્રપતિના આગમન પૂર્વે તડામાર તૈયારી