50 પ્રવાસીઓનું ગૃપ હશે તો બસ સોસાયટી શેરી કે મહોલ્લા સુધી મુસાફરો લેવા આવશે
દિવાળીના તહેવારોને લઈને ભાવનગર એસ.ટી ડીવીઝન દ્વારા ભાવનગર સહિત ડિવિઝન હેઠળના આઠ ડેપોમાંથી મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચાડવા તથા ત્યાંથી લાવવા માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની 140 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, લાંબા રૂટની બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત જવા માટેની બસના ભાડામાં સવા ગણો વધારો કરાયો હોવાનું સામે આવ્યું છે. દર વર્ષે દિપોત્સવ પર્વમાં રાજ્યમાં વિવિધ મહાનગરોમાં વસતાં પ્રવાસીઓને તહેવાર નિમિત્તે સુખરૂપ અને આરામદાયક સુરક્ષિત મુસાફરી માટે એસ.ટી ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવે છે. જેથી ખાનગી બસોમાં મોંઘા ટીકીટ-ભાડા ખર્ચથી લોકો બચે અને મુસાફરી માટે ઘસારો પણ ન થાય. આ વર્ષે પણ રાજ્ય સાથોસાથ ભાવનગર એસ.ટી ડિવિઝન દ્વારા આગામી તારીખ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ભાવનગર મુખ્ય ડિવિઝન તથા ભાવનગર હેઠળના ગારિયાધાર તળાજા, મહુવા પાલીતાણા બોટાદ બરવાળા અને ગઢડા ડેપોમાંથી કુલ 140 બસો સુરત, અમદાવાદ, વડોદરા, વડતાલ, છોટાઉદેપુર, દાહોદ સહિતના શહેરો માટે દોડાવવામાં આવશે. આ ઉપરાંત ડેપોમાં પ્રવાસીઓનો ઘસારો તથા ડિમાન્ડ મુજબ જેતે રૂટ માટે વધુ બસો ટ્રીપ માટે ફાળવવામાં આવશે. સુરક્ષિત સલામત અને સમયસરની એસ.ટી પરીવહન સેવાનો વધુમાં વધુ લાભ લેવા મુસાફરોને ભાવનગર એસ.ટીના ડી.સી રણદીપસિંહ વાળાએ માહિતી આપી હતી. સુરત સહિતના મહાનગરોમાં રહેતા અને જે મુસાફરો એક જ સ્થળે પહોંચવા ઈચ્છતાં હોય અને પ્રવાસીઓની સંખ્યા 50 હશે તો એસ.ટી તમારી સોસાયટી શેરી કે મહોલ્લા સુધી મુસાફરો લેવા આવશે. આ માટે બસો પણ નવી અને સારી કંન્ડીશનની રહેશે. સફર દરમિયાન મુસાફરોને કોઈ તકલીફ ન પડે એની વિશેષ તકેદારી પણ રાખવામાં આવશે. આથી સુરત, અમદાવાદ કે વડોદરા જેવાં શહેરમાં વસતાં તથા દિવાળી પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લામાં આવવા ઈચ્છુંક મુસાફરોનું જો 50 વ્યક્તિનું ગૃપ હોય એક જ સાથે 50 પ્રવાસીઓ મુસાફરી કરવા તૈયાર હોય તો નજીકના એસ.ટી મથકે એસ.ટી નિયામક અથવા એસ.ટી ટ્રાફિક કન્ટ્રોલરનો સંપર્ક કરી ટ્રીપ બુક કરાવી શકે છે.