વર્તમાન ઉનાળાના સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં ફુડ વિભાગના તમામ નીતિનિયમોનું ઉલ્લંઘન કરી અખાદ્ય ખોરાક-ખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરિણામ જાહેર જન આરોગ્ય ખતરામાં મુકાઈ જવા પામ્યું છે.
ભાવનગર મહાપાલિકા સ્થિત આરોગ્ય વિભાગ વર્ષોથી શિથીલ અવસ્થામાં જ રહ્યું છે. પરિણામે લોક આરોગ્ય સાથે ચેડા કરતા લેભાગુ તત્વોને મોકળુ મેદાન મળ્યું છે. હાલ ઉનાળાની સિઝનમાં પાણીના પાઉચથી લઈને બરફ, શેરડીનો રસ, મિલ્ક શેઈક, કેરીનો રસ, બરફના ગોળા, આઈસ્ક્રીમ, શિખંડ, મઠ્ઠો સહિત અનેક ખાદ્ય પદાર્થોનું ક્યારેય ચેકીંગ કરવામાં આવતું નથી. માત્ર એટલું જ નહીં આ ખાદ્ય સામગ્રીમાં અનેક પ્રકારના હાનિકારક કેમીકલ્સ, કૃત્રિમ રંગ સહિતની વસ્તુનું મિશ્રણ કરવામાં આવે છે. હાલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અનેક પદાર્થો પૈકી બરફનો બહોળા પ્રમાણમાં ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ જે સ્થાન પર બરફ બનાવવામાં આવે છે તે સ્થળ પર જવાબદાર તંત્ર ક્યારેય ફરકતું પણ નથી. બરફ બનાવવા માટે કેવા પ્રકારનું પાણી ધાતુના ફરમાં સહિતની બાબતો અંગે કોઈ નિયમનું પાલન કરવામાં નથી આવતું. સૌરાષ્ટ્રના રાજકોટમાં તંત્ર નિત્ય કાર્યવાહી-નમુનેદાર કામગીરી કરી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે પરંતુ ભાવનગર મહાપાલિકાના સત્તાધીશોને પોતાની નૈતિક જવાબદારીનું ભાન ન હોય તેવું લાગી રહ્યું છે.
કાર્બેટથી કેરી પકવતા ગોડાઉનો
તંત્રએ થોડા સમય પૂર્વે કેમીકલ વડે ફળો પકવતા આસામીઓ સામે નામ માત્રની કામગીરી કરી હતી પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી ન કરતા વેપારીઓએ માઝા મુકી છે. હાલ પાનવાડી પીલગાર્ડન પાછળ હોટેલ બ્લ્યુ વ્હીલની નીચે ગંગાજળીયા તળાવ, વડવા, નિર્મળનગર સહિત ખાનગી દુકાનો, ગોડાઉનોમાં મોટાપાયે કાર્બેટની મદદ વડે કેરી પકાવી વેચાણ કરવામાં આવી રહી છે.