નીચલી કોર્ટોમાં ૧૪ દિવસનું ઉનાળુ વેકેશન આપવા માંગ

779
guj652018-7.jpg

ઉનાળાની કાળઝાળ અને તબિયત પર ગંભીર અસર પાડતી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાત બાર કાઉન્સીલ તરફથી રાજયની નીચલી કોર્ટોમાં આ ઉનાળા દરમ્યાન ગરમીના દિવસોમાં ૧૪ દિવસનું ઉનાળુ વેકેશન આપવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રાર જનરલને આ અંગે પત્ર પાઠવી માંગણી કરી છે કે, સમગ્ર વર્ષ દરમ્યાન બીજા અને ૪થા શનિવારની રજાના ૨૬ દિવસો આવે છે, તેથી તેમાંથી ૧૪ દિવસો કાપી લઇ તેનું ઉનાળામાં એક મીની વેકેશન આપવું જોઇએ અને બદલામાં આ ૧૪ શનિવાર વકીલો બાકીની રજાના શનિવારોમાં કોર્ટ કામગીરી ચાલુ રાખી ભરી આપશે, તેવી વ્યવસ્થાના ભાગરૂપે ઉનાળુ વેકશન જાહેર કરવા અનુરોધ કર્યો છે. અનિલ કેલ્લાએ ઉનાળાની ગરમીને ધ્યાને લઇ જરૂર પડયે મોર્નિંગ કોર્ટ જાહેર કરવા પણ  હાઇકોર્ટને વિનંતી કરી હતી. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર પાઠવતાં જણાવ્યું છે કે, રાજયભરમાં ઉનાળા દરમ્યાન બપોરે ૧૨થી ૫ વાગ્યા દરમ્યાન ગરમીનો પારો ૪૧ થી ૪૫ ડિગ્રીની આસપાસ રહેતો હોય છે.  ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજયની નીચલી કોર્ટોમાં પ્રેકટીસ કરતાં આશરે ૭૦ હજાર વકીલો અને લાખો પક્ષકારોને ગરમીમાં  ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડે છે. ગરમીના કારણે નીચલી કોર્ટોમાં વકીલો-પક્ષકારોને ચક્કર આવવા, માથાનો દુખાવો, શ્વાસોચ્છવાસમા તકલીફ, લુ લાગવી, ઝાડા-ઉલ્ટી સહિતના સંખ્યાબંધ કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે વકીલઆલમ તરફથીપણ આ અંગેની વ્યાપક રજૂઆત બાર કાઉન્સીલને મળી છે. આ સંજોગોમાં વકીલો અને પક્ષકારોને ગરમીના કારણે કોઇ શારીરિક હાનિ ના થાય અને કોઇ મૃત્યુ કે અનિચ્છનીય ઘટના ના નોંધાય તે હેતુથી રાજયની જિલ્લા-તાલુકા અદાલતોમાં વર્ષ દરમ્યાનની બીજા અને ૪થા શનિવારની ૧૪ દિવસની રજાઓ કાપી તે ૧૪ દિવસનું ઉનાળુ વેકેશન આપવા ચીફ જસ્ટિસને વિનંતી કરાઇ છે. સામે બાકીના શનિવારની જે રજાના દિવસો રહે તે વકીલઆલમ દ્વારા ભરી આપવામાં આવશે. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ ઉનાળા દરમ્યાન વકીલો-પક્ષકારો અને લોઅર જયુડીશરીના જયુડીશીયલ ઓફિસર્સને કાળઝાળ ગરમીની લુ અને આરોગ્યને હાનિ પહોંચાડતી અસરોથી બચાવવા જરૂર પડયે મોર્નિંગ કોર્ટ શરૂ કરવા પણ ચીફ જસ્ટિસને વિનંતી કરી હતી.

Previous articleગુજરાતમાં ગરમીના પ્રમાણમાં ફરી વધારો
Next articleબિટકોઇન પ્રકરણમાં કોટડિયા સમન્સ છતાંય ગેરહાજર રહ્યા