બિટકોઇન પ્રકરણમાં કોટડિયા સમન્સ છતાંય ગેરહાજર રહ્યા

685
guj652018-8.jpg

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પર હવે ગાળિયો કસાયો છે. કિરીટ પાલડિયાની પૂછપરછમાં કોટડિયા વિરૂદ્ધ ચોંકાવનારા ખુલાસા બાદ સીઆઇડી ક્રાઇમે આજે નલિન કોટડિયાને સમન્સ જારી કરી બપોરે ત્રણ વાગ્યે કચેરી ખાતે બોલાવ્યા હતા પરંતુ કોટડિયા હાજર રહ્યા ન હતા. કોટડિયા ગાયબ થઇ ગયા છે, તેમનો કોઇ અત્તોપત્તો નથી અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સીઆઇડી ક્રાઇમના સૂત્રોએ જણાવ્યું હતું કે, હજુ કોટડિયાને સોમવારનું સમન્સ પાઠવવામાં આવશે અને જો સોમવારે પણ તેઓ તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થાય તો તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વોરંટની બજવણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, સીઆઇડી ક્રાઇમની તપાસ અને વલણ જોતાં આગામી દિવસોમાં બિટકોઇન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. બિટકોઇન કૌભાંડમાં થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પોતાની નિર્દોષતા અને ફરિયાદી શૈલેષ ભટ્ટને ખુલ્લો પાડવાની મોટી વાતો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હવે કિરીટ પાલડિયાની ધરપકડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે, હવે સીઆઇડી ક્રાઇમનો ગાળિયો તેમની પર કસાઇ ચૂકયો છે.  બીજીબાજુ, તેમની પત્ની જણાવ્યું હતુ કે, તેમના પતિ કોટડિયા ગઈકાલ સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા છે, અને હજુ સુધી પરત નથી આવ્યા. નોંધનીય વાત તો એ છે કે, કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ક્યાંક જતા રહ્યા છે. પાલડિયાની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે કેસનીવધુ તપાસના ભાગરૂપે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાને આજનું સમન્સ જારી કર્યું હતું. કોટડિયાને બપોરે ત્રણ વાગ્યે હાજર થવાનું હતુ પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જેથી સીઆઇડી ક્રાઇમે હવે વધુ એક તકના ભાગરૂપે કોટડિયાને સોમવારે હાજર થવા સમન્સ જારી કરવાની તજવીજ હાથ ધરી છે. જો કોટડિયા સોમવારે પણ હાજર નહી થાય તો, સીઆઇડી ક્રાઇમ તરફથી નલિન કોટડિયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આ કેસમાં તેમની વિરૂધ્ધ વોરંટ જારી કરી બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

Previous articleનીચલી કોર્ટોમાં ૧૪ દિવસનું ઉનાળુ વેકેશન આપવા માંગ
Next articleગંગાજળીયા તળાવનું વેરાન દ્રશ્ય