તત્કાલ ઇ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ : ૬૬૦૦ ટિકિટો રદ

851
guj652018-10.jpg

મધ્ય રેલવે આરપીએફએ તત્કાલ ઈ ટિકિટ બુક કરતા એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ કરતાં રેલ્વે તંત્ર સહિત દેશના લાખો મુસાફરોમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. તત્કાલ ઇ ટિકિટના આ કૌભાંડમાં આરોપીઓ ગેરકાયદે કાઉન્ટર સોફ્ટવેર મારફતે ગણતરીની સેકન્ડોમાં તત્કાલ ઇ ટિકિટ બુક કરી લીધા હતા. રેલ્વે પોલીસે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઈન્ડ સલમાન ખાનને મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના થાણેમાં ગુરૂવારે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આરોપી સલમાન ખાન પાસે તત્કાલ ઈ ટીકિટ બુક કરવાનું લાયસન્સ પણ નથી. તેમ છતાં તેનું નેટવર્ક સમગ્ર દેશભરમાં ફેલાયેલું છે. આ રાષ્ટ્રવ્યાપી તત્કાલ ઇ ટિકિટ કૌભાંડમાં રેલ્વે તંત્રના કર્મચારીઓ સહિતના કેટલાય માથાઓ સંડોવાયેલા હોવાનું મનાઇ રહ્યું છે, આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાડમાં મહત્વના ખુલાસા થવાની પૂરી શકયતા છે. આ કૌભાંડના પર્દાફાશને પગલે કાઉન્ટર સોફ્‌ટવેર દ્વારા બુક કરાયેલી દોઢ કરોડ રૂપિયાની ૬૬૦૦ તત્કાલ ઈ ટિકિટ રેલવે તંત્ર દ્વારા ગઇકાલે બ્લોક કરી રદબાતલ જાહેર કરી દીધી હતી. જેથી જેમની પાસે આ રદ થયેલી ટિકિટો હશે તેઓ રેલ્વે યાત્રા નહી કરી શકે. તત્કાલ ઇ ટિકિટ દેશભરના વિવિધ સ્ટેશનો માટે બુક કરાયેલી હતી. પરંતુ તેમાં પશ્ચિમ અને મધ્ય રલેવેની ટિકિટ સૌથી વધુ છે. આ કૌભાંડને પગલે અમદાવાદથી ઉપડતી ટ્રેનોની કુલ ૧૧૪ ટિકિટો રદ કરાઇ હતી, જેમાં સામખિયાળી, ભરૂચ સહિતના વિવિધ સ્ટેશનોની ૫૫ ટિકિટો પણ રદ થઇ હતી. મધ્ય રેલવે મુંબઈ મંડળ આરપીએફના વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુક્ત સચિન ભાલોડેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સૌથી મોટા તત્કાલ ઈ-ટિકિટ કૌભાંડને ઝડપી લેવામાં આવ્યું છે. અને પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ઈ ટિકિટને બ્લોક કરી દેવામાં આવી છે. જેમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. મધ્ય રેલવે આરપીએફ વિજીલન્સ આઈઆરટીસી તથા કોમર્શિયલ બ્રાંચની સાથે મળીને એન્ટી ટાઉટીંગ અભિયાન ચલાવાઈ રહ્યું હતું તે દરમ્યાન તપાસમં ગેરકાયદે સોફ્‌ટવેરથી ટિકિટ બુક કરતાં એજન્ટ સલમાન ખાનના તત્કાલ ઇ ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તેની પાસેથી પોલીસે રોકડા ૧.૬૫ લાખ તથા ૮૦ બુક થયેલી કન્ફર્મ ટિકિટની પ્રિન્ટ મળી આવી હતી.  આરપીએફના અધિકારીઓએ આરોપીને ઝડપીને તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે કે જેૅથી સમગ્ર કૌભાંડમાં મહત્વની વિગતો જાણી શકાય.  મુખ્ય સૂત્રધાર સલમાન ખાન થાણેથી જ દેશભરના એજન્ટોને ટિકિટ બનાવી આપતો હતો. આ સમગ્ર કૌભાંડમાં ૫૪૦૦ જેટલા એજન્ટ સંકળાયેલા હતાં અને પ્રતિ ટિકિટ તેઓ ૭૦૦ રૂપિયા વધારે લેતાં હતાં. ચોંકાવારની વાત તો એ હતી કે, કાઉન્ટર સોફ્‌ટવેરના માધ્યમથી સલમાન રેલવે રિઝર્વેશન સિસ્ટમને હેક કરી લેતો હતો. તે માઉસની એક જ ક્લિકથી એક વારમાં ૧૦૦ જેટલી ટિકિટ કન્ફર્મ તત્કાલ ઈ ટીકિટ બુક કરી લેતો હતો. કોઈને શંકા ન પડે તે માટે તે પોતાના કોમ્પ્યુટરનો પાસવર્ડ વારંવાર બદલતો રહેતો હતો. પોલીસે ખૂબ જ સંવેદનશીલ એવા આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
 

Previous articleગંગાજળીયા તળાવનું વેરાન દ્રશ્ય
Next articleનકલી દૂધ ૫કડવા રાજ્યવ્યાપી દરોડા