તહેવારોમાં મોદી સરકાર માટે સારા સમાચાર : અગાઉ એપ્રિલ-૨૦૨૧ માં સૌથી વધારે રેકોર્ડ ૧.૪૧ લાખ કરોડ રુપયિ જીએસટી કલેક્શન થયું હતું
નવી દિલ્હી, તા.૧
તહેવારની સિઝન વચ્ચે મોદી સરકાર માટે જીએસટી કલેક્શનના મોર્ચે સારા સમાચાર આવ્યા છે. દેશમાં જીએસટી લાગુ થયા બાદ ઓક્ટોબર-૨૦૨૧માં બીજીવાર સૌથી વધારે જીએસટી કલેક્શન થયુ છે. અગાઉ એપ્રિલ-૨૦૨૧ માં સૌથી વધારે રેકોર્ડ ૧.૪૧ લાખ કરોડ રુપયિ જીએસટી કલેક્શન થયુ હતુ. ઓક્ટોબર-૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧,૩૦,૧૨૭ કરોડ રુપિયા રહ્યુ છે.
જીએસટી લાગુ થયા બાદથી આ બીજુ સૌથી વધારે કલેક્શનનો આંકડો છે. વર્ષના આધારે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૨૪ ટકા વધ્યુ છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ઓક્ટોબરની તુલનામાં ટેક્સ કલેક્શનમાં ૩૬ ટકાનો વધારો નોંધાયો છે. ગયા મહિને સપ્ટેમ્બર ૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧.૧૭ લાખ કરોડ રુપિયા હતુ. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશ કોવિડ-૧૯ની બીજી ભયાનક લહેરનો સામનો કરી રહ્યુ હતુ. અગાઉ દેશની ઈકોનોમી પર પણ અસર પડી હતી, પરંતુ હવે ઈકોનોમીમાં તેજ સુધારના સંકેત મળી રહ્યા છે. ઓક્ટોબર સતત ચોથો મહિનો છે, જ્યારે જીએસટી સંગ્રહ ૧ લાખ કરોડ રુપિયાથી વધારે રહ્યુ છે. ઓક્ટોબર-૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧,૩૦,૧૨૭ કરોડ રુપિયા રહ્યુ જ્યારે સપ્ટેમ્બરમાં ૧.૧૭ લાખ કરોડ રુપિયાનુ જીએસટી પ્રાપ્ત થયુ હતુ. નાણા મંત્રાલયના આંકડાના હિસાબ ઓગસ્ટમાં સરકારનુ જીએસટી સંગ્રહ ૧.૧૨ લાખ કરોડ રુપિયા હતુ જ્યારે જુલાઈ ૨૦૨૧માં આ ૧.૧૬ લાખ કરોડ રુપિયા હતુ. અગાઉ જૂનમાં આ ૯૨,૮૪૯ કરોડ રુપિયા જ રહ્યુ હતુ. જોકે એપ્રિલ અને મે માં પણ આ ૧ લાખ રુપિયાથી વધારે હતુ.