સરકારે એક માસમાં ઓફિસોમાંથી ૧૩.૭૩ લાખથી વધારે ફાઈલો ક્લિયર કરી, સરકારને ૪૦ કરોડ મળ્યા
નવી દિલ્હી,તા.૧
એક મોટા સફાઈ અભિયાન હેઠળ ભારત સરકારે ઓફિસોમાંથી ૧૩.૭૩ લાખથી વધારે ફાઈલો ક્લિયર કરી છે. પાછલા એક મહિનામાં એક એક કરીને ભારત સરકારે પોતાની ઓફિસોમાંથી લગભગ ૮ લાખ વર્ગ ફૂટ જગ્યા ખાલી કરી છે. આટલા વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન જેવી ચાર ઈમારતો આવી શકે છે. રાષ્ટ્રપતિ ભવનનો ફ્લોર એરિયા ૨ લાખ વર્ગ ફૂટ છે. આ કવાયત ભારત સરકારના અટવાયેલા કેસોના નિવેડા માટે ખાસ અભિયાન હતું. રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે સોમવારે ૨ ઓક્ટોબરે લોન્ચ આ અભિયાનની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે સરકારે આ દરમિયાન પસ્તી વેચીને ૪૦ કરોડ રૂપિયાની આવક કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રેવિયાન્સ (ડીએઆરપીજી)ના અધિકારીઓ સાથેની બેઠકમાં અભિયાનના પરિણામની સમીક્ષા થઈ. જિતેન્દ્રસિંહે કહ્યું, ૧૫.૨૩ લાખ ફાઈલોની ઓળખ થઈ હતી, જેમાંથી ૧૩.૭૩ લાખથી વધારે ફાઈલો ક્લિયર કરાઈ છે. આ રીતે ૩.૨૮ લાખ લોક ફરિયાદના લક્ષ્યમાંથી ૨.૯૧ લાખ ફાઈલો પર ૩૦ દિવસની અંદર એક્શન લેવાયા. સાંસદોના ૧૧,૦૫૭ પત્રોમાંથી ૮,૨૮૨ને ધ્યાને લેવાયા. આટલું જ નહીં, ૮૩૪માંથી ૬૮૫ નિયમો અને પ્રતિક્રિયાઓને આ દરમિયાન સરળ કરવામાં આવી. ડૉ. જિતેન્દ્રસિંહે જણાવ્યું કે, અટવાયેલા કેસના નિરાકરણ માટે ખાસ અભિયાન વડાપ્રધાન મોદીના નિર્દેશો પર ચલાવવામાં આવ્યું. તેમને આ અઠવાડિયે એક પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ પર્સનલના જણાવ્યા પ્રમાણે ૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર વચ્ચે ડ્ઢછઁઇય્ને નોડલ વિભાગ બનાવીને ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના અટવાયેલા કેસોના નિરાકરણ માટે અભિયાન લોન્ચ કરાયું હતું. મંત્રી મુજબ અભિયાન દરમિયાન એવી ફાઈલોની ઓળખ કરવામાં આવી જે અસ્થાયી પ્રકૃતિની હતી. વર્કપ્લેસિસ પર સફાઈ સારી કરવા માટે પસ્તી અને નકામી વસ્તુઓ હટાવવામાં આવી. મંત્રીના જણાવ્યા પ્રમાણે આ અભિયાન સતત ચાલતું રહેવું જોઈએ.