નાસાએ અંતરિક્ષમાં પહેલી વખત મરચાંની ખેતી કરી

105

આ મરચાની મદદથી ત્યાં હાજર અવકાશયાત્રીઓએ એક મજાની વાનગી બનાવી અને તેનો આનંદ લીધો
વોશિંગ્ટન , તા.૨
અંતરિક્ષમાં શહેર વસાવવાનું સપનું જોઈ રહેલા લોકો માટે આ ઘણાં સારા સમાચાર છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ પહેલીવાર અંતરિક્ષમાં ગ્રીન પેપરની ખેતી કરી છે. નાસા માટે આ એક મોટી સફળતા છે. નાસાએ જાહેરાત કરી છે કે, આ મરચાના છોડને હેબિટાટ-૦૪માં ઉગાડવામાં આવ્યો હતો. આ મરચાની મદદથી ત્યાં હાજર અવકાશયાત્રીઓએ એક મજાની વાનગી બનાવી અને તેનો આનંદ લીધો. નાસાએ શુક્રવારના રોજ જણાવ્યું કે, આ તપાસમાં સૂક્ષ્મજીવી વિશ્લેષણ કરવામાં આવ્યું જેથી અવકાશમાં છોડમાં જીવાણુઓ સાથેના સંબંધ વિષે અમારી સમજને વધારે સારી બનાવી શકાય. સાથે જ તેના સ્વાદ, પોષક તત્વો અને બનાવટની પણ તપાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ગ્રીન પેપર્સ આ વર્ષે જુલાઈ મહિનાથી જ વિકસિત થઈ રહ્યા હતા. આ પ્રકારનું મરચું ન્યુ મેક્સિકોની હૈચ ખાડીમાં જોવા મળે છે. નાસા તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, આ મરચું દક્ષિણ ન્યુ મેક્સિકોના સાંડિયા મરચા અને અન્ય એક પ્રજાતિને મિક્સ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘાટીમાં જે મરચું ઉગાડવામાં આવે છે તેને લીલા રંગનું થાય ત્યારે જ ખાવામાં આવે છે, પરંતુ એસ્પાનોલા ઈમ્પ્રુવ્ડ પ્રજાતિને લાલ અને લીલા બન્ને રંગમાં ખાઈ શકાય છે. સ્પેસ સ્ટેશનના ટિ્‌વટર અકાઉન્ટ પર તસવીરો પણ શેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આ અત્યાર સુધીનો સૌથી પડકારજનક પ્રયોગ છે. અન્ય શાકભાજીની સરખામણીમાં આ ગ્રીન પેપર્સની અંતરિક્ષમાં ખેતી મુશ્કેલ માનવામાં આવે છે. કારણકે આ મરચું ઉગવામાં ઘણો સમય લાગે છે અને વિકસિત થવામાં પણ સમય લાગે છે. નાસાના અવકાશયાત્રી મેગન મેકઆર્થરે મરચું તોડવાની તસવીર શેર કરી છે અને સાથે સાથે ડિનર બનાવ્યા પછીની તસવીર પણ શેર કરી છે. તેમણે લખ્યું કે, અમે લાલ અને લીલા મરચાને ટેસ્ટ કર્યા. અમે વધારે રિસર્ચ કર્યું અને પછી આખરે મેં મારા અત્યાર સુધીના સૌથી ફેવરિટ સ્પેસ ટાકોસ બનાવ્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસાએ અવકાશમાં પાલક અને અન્ય વસ્તુઓની ખેતી કરી છે.

Previous articleસરકારે ઓફિસોમાંથી આઠ લાખ વર્ગફૂટ જગ્યા ખાલી કરી
Next articleકાબુલની લશ્કરી હોસ્પિટલ બહાર વિસ્ફોટમાં ૧૯નાં મોત