એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરો પાસેથી રૂ. 2 લાખથી વધું વસૂલવામાં આવ્યા
દિવાળીના પર્વને લઈ ભાવનગર રેલવે દ્વારા ખાસ ટિકિટ ચેકીંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી, જેમાં ભાવનગર ડિવિઝન દ્વારા ઓકટોબર મહિનામાં કુલ 5292 કેસોના કરવામાં આવ્યા હતા. જેમાં એક જ દિવસમાં વગર ટિકિટ કરતા મુસાફરો 250થી વધુ મુસાફરો ઝડપી પાડ્યા હતા. દિવાળી અને છઠના તહેવાર વચ્ચે ટ્રેનોના ધસારાને ધ્યાનમાં રાખીને ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના નિર્દેશો અનુસાર ભાવનગર ડિવિઝનમાં ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં કુલ 5292 કેસો કરી જેના રૂ.31 લાખ 29 હજાર 850 નો દંડ વસુલવામાં આવ્યો હતો. ભાવનગર ટર્મિનસ પર ટ્રેન નંબર 02941 ભાવનગર-આસનસોલ સ્પેશિયલમાં મંગળવારે ટિકિટ ચેકિંગ દરમિયાન, ટિકિટ વિના મુસાફરી કરતા 267 મુસાફરોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દંડ અને ભાડા તરીકે એક જ દિવસમાં એક જ ટ્રેનમાંથી રૂ. 2 લાખ 09 હજાર 160 વસૂલવામાં આવ્યા હતા. જે અત્યાર સુધીનો આ રેકોર્ડ છે. ભાવનગર ડિવિઝન તેના સમ્માનનીય મુસાફરોને યોગ્ય ટિકિટ લેવા અને સન્માન સાથે મુસાફરી કરવા જણાવ્યું હતું.