પ્રભારી સચિવે શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત, મહેસૂલ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રભારી સચિવએ તેઓની પ્રથમ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત,મહેસૂલ વિભાગની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. યોગ્ય આયોજન સાથે પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો સમયસર અને મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. જો તેમ થાય તો જ લોકોને સમયસર અને જરૂરિયાત મૂજબ સેવાઓ પૂરી પાડી શકાશે. પ્રભારી સચિવએ પાણી- ગટર, વીજળી, આવાસ યોજનાઓ સહિતની સ્થિતિ જાણી તે અંગેની ઉપયોગી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું. તેમણે જિલ્લામાં ચાલતાં મનરેગાના કામો, આવાસ યોજનાઓ, જળ-સિંચાઇના કામો વગેરેની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ભાવનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, નગરપાલિકા નિયામક અજય દહિયા, પ્રાંત અધિકારી પુષ્પલત્તા, અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.