ગોપીનાથજી કોલેજની વિદ્યાર્થીનીઓએ જરૂરિયાતમંદોના ચહેરા પર રેલાવ્યું હાસ્ય, ગરીબ બાળકોમાં કરી કપડાં અને ફટાકડાની વહેંચણી
દિવાળીનું વેકેશન પડે એટલે વિદ્યાર્થીઓ ક્યાં જઈશું, કઈ રીતે મોજ મજા કરીશું વગેરે બાબતો વિશે વિચારતા હોય છે. તેવા સમયે સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ પોતાનો નહીં, પરંતુ બીજાનો વિચાર કરીને તેમના ચહેરા પર કેવી રીતે હાસ્ય લાવી શકાય તેનો વિચાર કરતાં પોતાની પોકેટમનીમાંથી તેમજ અન્ય લોકો પાસેથી જુનાં કપડાં, ફટાકડાં વગેરે વસ્તુઓ ઉઘરાવીને જેની પાસે નથી તેવા બાળકોને આપીને તેમની સાથે ખુશીઓ વહેંચી હતી.
નિજાનંદ પરિવાર, ભાવનગર સંસ્થા દ્વારા આ વસ્તુઓ શિહોરના ગુંદાળા વસાહતના ગરીબ બાળકોને વિતરિત કરવામાં આવી હતી. મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓના આવા ઉમદા કાર્યને કારણે ગરીબ બાળકોની દિવાળી સુધરી ગઇ હતી. ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકો પાસે દિવાળી ઉજવવાનું કોઈ સાધન પણ નથી, તેવા સમયે નિજાનંદ પરિવાર દ્વારા અપાયેલી આ વસ્તુઓ હાથમાં આવવાથી તેમના ચહેરા પર જે સ્મિત આવ્યું હતું તેને શબ્દોમાં વર્ણવવુ મુશ્કેલ હતું.
‘ચાલોને માણસ-માણસ રમીએ-કોઇના મુસ્કાનનું કારણ બનીએ’નો મુદ્રાલેખ ધરાવતી આ સંસ્થા તેને વાસ્તવમાં સાર્થક કરવા કટિબદ્ધ છે. આ સંસ્થા અગાઉ પણ અનેક માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહીને કાર્ય કરતી રહી છે. શિહોરમાં શિક્ષણ સાથે સંસ્કાર આપતી મહિલા કોલેજ ગોપીનાથજી મહિલા કોલેજના એન.એસ.એસ. યુનિટ અને પ્રો. અક્રમભાઇ ડરૈયા અને રીટાબેન લોદરીયાને આ વહેંચણીનો વિચાર આવ્યો હતો અને આ વિચાર ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે 2015થી નાત-જાતના ભેદભાવ વગર સેવાનું કામ કરી રહી છે તેને જણાવ્યો હતો. આ બે સંસ્થાઓએ ભેગા થઇને આ રીતે તહેવાર ઉજવવાનું નક્કી કર્યુ હતું. નિજાનંદ પરિવાર સંસ્થાના અનિલભાઇ પંડીત, કોલેજના માર્ગદર્શક ડો. પ્રો. દિલીપભાઇ જોષી, હરેશભાઇ પવાર, મુકેશભાઇ પંડિત, શિહોરના કૌન બનેગા કરોડપતિમાં મોટી રકમ જીતનાર અમિતભાઇ જાદવ, ભાવનગર સંસ્થાના સભ્યો ડો. રૂપલબેન વૈષ્ણવ, ડો. વિજયભાઇ કામળીયા, રાજુભાઇ સોલંકી, સુનિલભાઇ બારોટ, રીટાબેન લોદરીયા-યોગેશભાઇ જોષી તથા મીડીયા ગ્રુપના કેશુભાઇ સોલંકી, ભાવેશભાઇ ભટ્ટ પણ આ માનવ સેવા કાર્યમાં જોડાયા હતા. ગોપીનાથજી મહિલા કોલેજના આચાર્ય યોગેશભાઇ જોષીએ આ માટેની પ્રેરણા વિદ્યાર્થીનીઓને પૂરી પાડી હતી અને આ કાર્યને સાકાર કરવા માટે તેમનો પૂરેપૂરો સહયોગ મળ્યો હતો.