દિવાળી પહેલા ઘરમાં લક્ષ્મી આવી : અભિનેત્રી સુષ્મિતા

129

મુંબઈ,તા.૩
અભિનેત્રી સુષ્મિતા સેન તાજેતરમાં જ ફોઈ બની છે અને અત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી. સુષ્મિતા સેનની ભાભી ચારુ અસોપાએ સોમવારના રોજ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. ફોઈ બનેલી સુષ્મિતા સેનને આ ખુશીના સમયે એક પોસ્ટ શેર કરી છે અને નાનકડી પરીનું પરિવારમાં સ્વાગત કર્યું છે. સુષ્મિતાની પોસ્ટ પરથી ખબર પડે છે કે ભત્રીજીના આવવાથી તે કેટલી ખુશ છે. સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને સાથે એક સુંદર કેપ્શન લખ્યું છે. તેણે ભાઈ રાજીવ સેન અને ભાભી ચારુ અસોપાને માતા-પિતા બનવા બદલ શુભકામનાઓ પાઠવી છે. સુષ્મિતા સેને લખ્યું કે, આપણી પ્રાર્થના ફળી છે. દિવાળી પહેલા ઘરમાં લક્ષ્મી આવી ગઈ. દીકરીનો જન્મ થયો છે. રાજીવ સેન અને ચારુ અસોપા તમને શુભકામનાઓ. દીકરી કેટલી સુંદર છે. હું આજે સવારે ફોઈ બની ગઈ. બેબીની તસવીરો શેર કરવાની મંજૂરી હજી નથી મળી, માટે હું પોતાની તસવીર શેર કરી રહી છું. આ ફોટો ચારુ અસોપાની ડિલિવરી થઈ તે પહેલાનો છે. પોસ્ટમાં સુષ્મિતાએ તે ડોક્ટરનો પણ આભાર માન્યો છે જેમણે ડિલિવરી કરાવી છે. સુષ્મિતાએ લખ્યું કે, ડોક્ટર આ આખા અનુભવને સુંદર અને શાંતિપૂર્વક બનાવવા માટે તમારો આભાર. તમે શ્રેષ્ઠ છો. સુષ્મિતાએ અસોપા અને સેન પરિવારને શુભકામના પાઠવી છે. સુષ્મિતાએ લખ્યું કે, પરિવારમાં ૩ બાળકો છે, અને ત્રણેય દીકરીઓ. ખરેખર ઈશ્વરના આશિર્વાદ છે. સુષ્મિતા સેનની આ પોસ્ટ પર ચારુ અસોપાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે નણંદ સુષ્મિતા સેનને જવાબમાં લખ્યું કે, ફાઈનલી ફોઈની જાન આવી ગઈ છે. સુષ્મિતા સેનની આ પોસ્ટ પર ફેન્સ પણ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દીકરીના જન્મ પછી રાજીવ સને પણ નાનકડી પરી સાથેની તસવીર શેર કરી હતી. રાજીવ સેને જ અપડેટ આપી હતી કે, દીકરી અને પત્ની બન્નેનું સ્વાસ્થ્ય સારું છે. રાજીવ સને અભિનેત્રી ચારુ અસોપા સાથે જૂન ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમની વચ્ચે મતભેદ ઉભા થયા હતા અને લગ્ન તૂટવાની તૈયારી હતી. પરંતુ રાજીવ અને ચારુ બન્ને મળીને લગ્નને બચાવી લીધા, મતભેદોને દૂર કર્યા અને આજે બન્ને ઘણાં ખુશ છે.

Previous articleમોરલીધર દાદાના મંદિરે ધ્વજારોહણ સમારોહનું કરાયેલું ભવ્ય આયોજન
Next articleધોનીને પોતાની જીંદગીનો કોચ ગણાવતો હાર્દિક પંડ્યા