વેક્સિનેશન માટે ધર્મગુરુઓની મદદ લેવા નરેન્દ્ર મોદીનો નિર્દેશ

109

વેક્સિન અંગેના ધર્મગુરૂના સંદેશાને જનતા સુધી પહોંચાડવા પર વિશેષ જોર આપવા ભાર મૂકતા મોદી
નવી દિલ્હી , તા.૩
જી૨૦ શિખર સંમેલન અને કોપ૨૬માં સહભાગી બનીને સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ઓછા વેક્સિનેશનવાળા જિલ્લાઓના ડીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક સમીક્ષા બેઠક કરી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કોરોના વોરિયર્સને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે લોકો જાગૃત બને તે ખૂબ જ જરૂરી છે. કોરોના વોરિયર્સે આ માટે કેમ્પેઈન ચલાવવું પડશે અને લોકોને સમજાવવા પડશે. વડાપ્રધાને કહ્યું કે, આ માટે તમે સ્થાનિક ધર્મગુરૂઓની મદદ પણ લઈ શકો છો. તેમનો બે મિનિટનો વીડિયો ઉતારીને લોકો વચ્ચે સંદેશો આપી શકો છો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૧૦૦ વર્ષની આ સૌથી મોટી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. કોરોના સામે દેશની લડાઈમાં એક ખાસ વાત એ પણ રહી કે, આપણે નવા નવા સમાધાનો શોધ્યા અને નવી પદ્ધતિઓ અપનાવી. તમારે પણ તમારા જિલ્લાઓમાં વેક્સિનેશન વધારવા માટે નવી પદ્ધતિઓ પર વધારે કામ કરવું પડશે. વડાપ્રધાને કહ્યું કે, અફવા અને લોકોમાં ફેલાયેલો ભ્રમ પણ એક પડકાર છે. તેનું એક મોટું સમાધાન એ છે કે, લોકોને વધુ ને વધુ જાગૃત કરવામાં આવે. આ માટે તમે સ્થાનિક ધર્મ ગુરૂઓની મદદ પણ લઈ શકો છો. થોડા દિવસો પહેલા હું વેટિકન ખાતે પોપ ફ્રાંસિસજીને મળ્યો હતો. વેક્સિન અંગેના ધર્મગુરૂના સંદેશાને જનતા સુધી પહોંચાડવા પણ આપણે વિશેષ જોર આપવું પડશે.

Previous articleહર ઘર ટીકા, ઘર ઘર ટીકાના મંત્ર સાથે હવે ઘરે-ઘરે રસીકરણ કરાશે
Next article૧૨ લાખ દિવડાથી જગમગી ઉઠી ભગવાન રામની નગરી : બન્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ