વડાપ્રધાન મોદીની ગ્લાસગો ખાતે કોપ-૨૬ સંમેલનથી અલગ ઈઝરાયલી વડાપ્રધાન બેનેટ સાથે દ્વિપક્ષીય ચર્ચા
નવી દિલ્હી , તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં વિવિધ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પણ આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે. સામાન્ય લોકોથી માંડીને દિગ્ગજ હસ્તીઓ પણ તેમનામાં રસ દાખવતી જોવા મળે છે. વિભિન્ન દેશોના રાજનેતાઓ અને રાષ્ટ્રાધ્યક્ષ બધા જ વિવિધ મામલે તેમની પ્રશંસા કરતા હોય છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો તેમને પોતાના ચૂંટણી પ્રચારક તરીકે પણ આમંત્રિત કર્યા હતા જેમાં વડાપ્રધાન મોદીએ અબકી બાર ટ્રમ્પ સરકાર એવો નારો આપ્યો હતો. જોકે એ વાત અલગ છે કે, ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા. બ્રિટનના ગ્લાસગો શહેર ખાતે ગત ૩૧મી ઓક્ટોબરથી કોપ-૨૬ સમિટ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી સહિત સમગ્ર વિશ્વના દિગ્ગજ નેતાઓ તેમાં સહભાગી બનવા પહોંચી ગયા છે. ઈઝરાયલના નવનિયુક્ત વડાપ્રધાન નફ્તાલી બેનેટ પણ આ સમારોહમાં સહભાગી બન્યા છે. વડાપ્રધાન મોદી સાથે વિવિધ પ્રસંગે તેમની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જે બંને નેતાઓની સારી મિત્રતા અને સંબંધો દર્શાવે છે. ત્યારે એક સમયે મુલાકાત દરમિયાન ઈઝરાયલી પીએમ નફ્તાલી બેનેટે વડાપ્રધાન મોદીને કહ્યું કે, તમે ઈઝરાયલમાં સૌથી વધારે લોકપ્રિય છો. તમે મારી પાર્ટી જોઈન કરી લો. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો ખાતે કોપ-૨૬ સંમેલનથી અલગ ઈઝરાયલી વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરી હતી. આ દરમિયાન ઈઝરાયલી પીએમ બેનેટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતી વખતે તમે ઈઝરાયલમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છો તેમ કહ્યું હતું. આ ઉપરાંત મજાકમાં જ તેમણે વડાપ્રધાન મોદીને પોતાની પાર્ટીમાં સામેલ થવાનું નિમંત્રણ પણ આપ્યું હતું. પીએમ નફ્તાલી બેનેટના આ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીએ ઠહાકા પણ માર્યા હતા. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા આ વીડિયો પ્રમાણે બેનેટે વડાપ્રધાન મોદીને ઈઝરાયલના સૌથી લોકપ્રિય વ્યક્તિ કહ્યા તેના જવાબમાં વડાપ્રધાન મોદીએ બે વખત આભાર માન્યો હતો.