મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવાળીના શુભ દિવસે પવિત્ર ભૂમિમાં પૂ.વિસામણબાપુની જગ્યા વિહળધામ ખાતે પૂજા – અર્ચના કરી દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દિવાળીના શુભ દિવસે બોટાદ જિલ્લાની પવિત્ર ભૂમિમાં પૂજ્ય વિસામણબાપુની જગ્યા વિહળ ધામ, પાળીયાદ ખાતે મુખ્ય મંદિરના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ નવા વર્ષના પૂર્વ દિવસે વિહળ ધામ ખાતે આવેલ સંત – સમાધિની પૂજા અર્ચના કરી રાજ્યનો વિકાસ અવિરત પણે ચાલુ રહે અને રાજ્ય સુખ સમૃધ્ધિ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં સહભાગી બને તેવી પ્રાર્થના કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રાજ્યની પવિત્ર ભૂમિ શ્રી વિસામણબાપુના જન્મ સ્થળના દર્શન કરી રામકુંજ નિવાસમાં વિહળધામના પ.પૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી નિર્મળાબાના દર્શન કરી આર્શિવચન લઈ આ શુભ તીર્થ ધામના ઈતિહાસ વિશે વિચારવિર્મશ અને સત્સંગ કર્યો હતો.
મુખ્યમંત્રી એ આ શુભ અવસરે પૂ,વિસામણબાપુના સમયની વિવિધ કાર અને ગાડી જ્યાં રાખવામાં આવેલ છે તેવા “અમરકુંજ – હેરિટેજ” કારનું નિદર્શન નિહાળ્યુ હતું. ત્યાર બાદ પવિત્ર ધામમાં આવેલ “કૈલાશ વિહળ વાટીકા” ની મુલાકાત લઈ પ્રકૃતિ અને ગ્રામ્ય સંસ્કુતિની યાદને તાજી કરી હતી. અહિ આવેલ વિશાળ બણકલ ગૌશાળાની જાત મુલાકાત લઈ બંકલ જાતિની ગાયો અને ગૌશાળા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ મુલાકાત સમયે મુખ્યમંત્રીએ ગાય માતાની પૂજા – અર્ચના કરી હતી.
વિહળધામના વ્યવસ્થાપક અને સંત સમિતિના સભ્યશ્રી ભયલુભાઈએ અને પરિવાર તરફથી મોતીનો ચાકડો આપી મુખ્યમંત્રીનુ અભિવાદન કરી આવકાર્યા હતા તથા બાબુભાઈ જેબલીયા, રામકુભાઈ ખાચર, મનસુખભાઈ કોરડીયા સહિતના અગ્રણીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુંઆ અવસરે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભા વાઘેલા, સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી સહિતના પદાધિકારીઓ તથા કલેક્ટર બી.એ.શાહ, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર