15 કિલો ચાંદીમાંથી વાઘા-મુગટ-મોજડી બનાવવામાં આવ્યા
સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે લાભ પાંચમ નિમિત્તે તા. 9 નવેમ્બરને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પૂજારી સ્વામી દ્વારા દિવ્ય સિલ્વર-ડાયમંડ જડિત વાઘા-શણગાર કરી સિંહાસનને હજારીગલ તથા ગલગોટાના ફુલોથી શણગારવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 15 કિલો ચાંદી વપરાયું હતું. આ ચાંદીમાંથી વાઘા-મુગટ-મોજડી બનાવવામાં આવ્યા હતા. આ વાઘા બનાવવામાં અંદાજે છ મહિનાનો સમય લાગ્યો હતો. આ વાઘાની ડિઝાઈન શા. સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ના માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવી હતી. વાઘા ઉપર ઓરીજનલ 200 ગ્રામ રોડીયમ ચઢાવવામાં આવ્યું હતું તથા ગોલ્ડ પ્લેટિંગ પણ કરવામાં આવ્યું હતું.દાદાની મંગળા આરતી સવારે 5:30 કલાકે તથા શણગાર આરતી સવારે 7 કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામા આવી હતી. હનુમાન દાદાના સિંહાસનના હજારીગલ તથા ગલગોટાના ફુલોના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજી દાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.