વેપાર ધંધાના શ્રીગણેશ

127

ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારો બાદ આજથી સવાયા વેપારની આશા સાથે ધંધા રોજગાર શરૂ થયા
આજે લાભ પાંચમથી ભાવનગર શહેર અને જિલ્લામાં દુકાનો, શો રૂમ, વેપારી પેઢીઓ નવી વિક્રમ સંવતમાં શ્રી સવા એટલે કે સવાયા વેપારની આશા સાથે ફરી ખુલી ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન સારી ઘરાકી રહી હતી અને વેપારીઓ લાંબા સમય બાદ ધંધો સારો રહેતા ખુશ જોવા મળ્યા હતા હવે આજથી ઉઘડેલી બજારમાં આગામી લગ્નસરાની સીઝનના અનુસંધાને સારી ઘરાકી નિકળે તેવી આશા વેપારીઓ જોઈ રહ્યા છે.

બેસતા વર્ષના દિવસે વ્યાપારીઓ મુહૂર્ત કરીને પોતાની દુકાનો બંધ કરે છે અને તેને લાભ પાંચમના દિવસે મુહૂર્તમાં ખોલતા હોય છે. વેપારીઓ મુહૂર્તમાં શુકનવંતા સોદાઓ કરે છે. લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે પણ ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે. લાભ પાંચમથી નવો ધંધો શરૂ કરવાની પરંપરા છે પરંતુ મોલ કલ્ચરના કારણે હવે ભાઈ બીજીથી પણ અનેક દુકાનો ખુલી ગઈ હતી અને વેપાર ધંધા શરૂ થઈ ગયા હતા. જો કે દાણાપીઠ, મુખ્ય બજારમાં આ પરંપરા હજુ જળવાયેલી છે. દિવાળીમાં બેસતા વર્ષથી લઈને કારતક વદ ચોથ સુધી એમ પાંચ દિવસ બજારો બંધ રહે છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ લાભ પાંચમથી દુકાનમાં કામની શરૂઆત કરે છે. વેપારીઓ, ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા અકાઉન્ટ, ખાતાવહીમાં મિતિ લખવાની શરૂઆત કરે છે. પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે. વેપારમાં પહેલો સોદો થાય તે પહેલા ચોપડા ઉપર શ્રી સવા લખવામાં આવે છે. જેમાં શ્રી લક્ષ્મીજીનું ચિન્હ છે. જ્યારે સવા એટલે કે નવા વર્ષમાં ધંધો સવા ગણો વધે તેવી કામના વ્યક્ત ઇશ્વર સમક્ષ વ્યક્ત કરવામાં આવે છે.

Previous articleભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ
Next articleક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા