શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ, ગાંધીનગર દ્વારા સમાજના દીકરા-દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમમાં મદદ રૂપ થવાના ઉમદા આશયથી ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર રાજપૂત આઇ.એે.એસ અને કેરિયર એકેડમીનો આરંભ કરવામાં આવ્યો છે.
આ આઇ.એ.એસ અને કેરિયર એકેડમીના આરંભ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમાજને શિક્ષણની ભૂખ લાગી છે, તે વાત આનંદની છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સમાજના વધુમાં વધુ દીકરા-દીકરીઓને પરીક્ષાની તૈયાર માટે આ એકેડમી ખૂબ જ મદદ રૂપ બની રેહશે. તેમણે આ એકેડમીમાં અપાતા શિક્ષણનો લાભ ગુજરાતના કોઇ પણ ખૂણામાં રહેતો સમાજનો યુવા વર્ગ લાભ લઇ શકે તે માટે ટેકનોલોજીના માધ્યમનો પણ ઉપયોગ કરવાની વાત પર પણ ભાર મુક્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાધેલાઅને સમાજના અગ્રણી રાજેન્દ્રસિંહજીએ પણ પ્રાંસંગિક ઉદ્દબોધન કર્યા હતા. કચ્છ – કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ રમજુભા જાડેજાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. એકેડમીની વિસ્તૃત માહિતી આપી હતી.
આ એકેડમીના આરંભ પ્રસંગે મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંગ, ગાંધીનગરના ધારાસભ્ય ર્ડા. સી. જે. ચાવડા, આઇ. કે. જાડેજા, કિરીટસિંહ રાણા, ભરતસિંહ પરમાર, ચાંપરડા ના મુક્તાનંદ બાપુ સહિત મોટી સંખ્યામાં કચ્છ કાઠિયાવાડના અગ્રણીઓ અને સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.