મુંબઈ, તા.૯
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતી ટૂંક સમયમાં જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. વન-ડે અને ટી૨૦ ટીમના ઉપસુકાની રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ટી૨૦ ટીમનો સુકાની બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ માટે ટીમનું સુકાની પદ રોહિત શર્માને મળી શકે છે. વર્તમાન ટેસ્ટ સુકાની વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ માટે બ્રેક લેશે અને બીજી ટેસ્ટ દ્વારા તે ટીમમાં પરત ફરશે તથા ટીમનું સુકાની પદ સંભાળી લેશે. આ ઉપરાંત ટી૨૦ સીરિઝ માટે પણ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. ટેસ્ટમાં વર્તમાન ઉપસુકાની અજિંક્ય રહાણે ઉપસુકાની તરીકે યથાવત રહેશે. જ્યારે લોકેશ રાહુલ ટી૨૦ સીરિઝમાં ઉપસુકાની બની શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જયપુર, રાંચી અને કોલકાતા ખાતે ટી૨૦ મેચ રમાશે જ્યારે કાનપુર અને મુંબઈ ટેસ્ટ મેચની યજમાની કરશે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સીનિયર ખેલાડીઓને ટી૨૦ સીરિઝમાં આરામ આપવામાં આવી શકે છે. વરૂણ ચક્રવર્તીના સ્થાને હર્શલ પટેલનો સમાવેશ થઈ શકે છે જેણે છેલ્લી બે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ટી૨૦ વર્લ્ડ કપ માટે તેની અવગણના કરવામાં આવી હતી. શ્રેયસ ઐય્યર ટીમમાં પાછો ફરી શકે છે. ટી૨૦ વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તેમના સ્થાને ભૂતપૂર્વ સુકાની રાહુલ દ્રવિડને મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળશે. રોહિત શર્માએ પણ આગામી વર્ષે રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ઝડપથી ટીમ તૈયાર કરવી પડશે. વિરાટ કોહલીએ ટી૨૦ ટીમનું સુકાની પદ છોડી દીધું છે પરંતુ તે વન-ડે અને ટેસ્ટ ટીમના સુકાની તરીકે યથાવત રહેશે. બીસીસીઆઈ વન-ડે કેપ્ટનસીને લઈને હાલમાં કોઈ નિર્ણય લેશે નહીં કેમ કે હાલમાં આ ફોર્મેટ એટલું મહત્વનું નથી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ફક્ત ટી૨૦ અને ટેસ્ટ સીરિઝ જ રમવાની છે. ભારત ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી૨૦ મેચની સીરિઝ રમશે. તેથી બોર્ડ અને પંસદગીકારો સાઉથ આફ્રિકાના પ્રવાસ વખતે ટીમની પસંદગી દરમિયાન વન-ડે કેપ્ટનસીને લઈને નિર્ણય લેશે.