ભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત

106

ભોપાલની સરકારી હોસ્પિટલમાં આગ : જે બાળકોના મોત થયા છે તેમના વારસદારોને ૪ લાખ રુપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી
ભોપાલ,તા.૯
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં આવેલી કમલા નહેરુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં ભયાનક આગ ફાટી નીકળતા ચાર બાળકોનાં મોત થયાં છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં આઈસીયુ આવેલું છે તે ત્રીજા માળે લાગેલી આગ અન્યત્ર પણ ફેલાઈ હતી. અગાઉ સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ ઘટનામાં ત્રણ બાળકોનાં મોત થયાં હોવાનું ટ્‌વીટર પર જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ પણ આપ્યા છે. મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશઅવાસ સારંગના જણાવ્યા અનુસાર, ૪૦ જેટલા બાળકો વોર્ડમાં દાખલ હતા, જેમાંથી ૩૬ સલામત છે. જે બાળકોના મોત થયા છે તેમના વારસદારોને ૪ લાખ રુપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના ઈનચાર્જ જુબેર ખાનના જણાવ્યા અનુસાર, રાત્રે ૯ વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને આગનો કોલ મળ્યો હતો. હોસ્પિટલ પર ૧૦ ફાયર ટેન્ડરને રવાના કરવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી હોસ્પિટલમાં દાખલ બાળકોના સંબંધીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તેઓ બાળકોને બચાવવા માટે આમથી તેમ હવાતિયા મારી રહ્યા હતા, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેવામાં સિક્યોરિટી સ્ટાફે લોકોને બહાર કાઢવાનું શરુ કરતાં તેમનામાં રોષ ફાટી નીકળ્યો હતો. બાળકોના સંબંધીઓની માગ હતી કે તેમને હોસ્પિટલની અંદર જઈ તેમનું બાળક સલામત છે કે નહીં તે જોવા દેવામાં આવે. આગ પર મધરાત સુધીમાં કાબૂ મેળવી લેવાયો હતો. બાળકો તેમજ છ વયસ્કોને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓના શ્વાસમાં પણ ધૂમાડો ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. મધરાત સુધીમાં દર્દીના સગા તેમનું બાળક સલામત છે કે નહીં તે જાણવા હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા. ભોપાલ નોર્થના એસપી વિજય ખત્રીના જણાવ્યા અનુસાર, આગ પર ૨૫ ટેન્કરોની મદદથી થોડા સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા
Next articleસરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ