રાફેલ વિમાન સોદામાં ગોટાળાનું ભૂત ફરી ધૂણ્યું : ભાજપે સોદો યુપીએ સરકારના શાસનમાં થયાનું કહ્યું તો કોંગ્રેસે ૪૧૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યાનો નરેન્દ્ર મોદી સરકાર ઉપર આરોપ મૂક્યો
નવી દિલ્હી, તા.૯
ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા રાફેલ વિમાનમાં ગોટાળાનુ ભૂત ફરી ધુણ્યું છે. ફ્રાંસના મેગેઝિનના નવા રિપોર્ટમાં રાફેલ સોદા માટે કમિશન અપાયુ હોવાનો દાવો થયો છે.એ પછી સોમવારે કોંગ્રેસે ભાજપ પર હુમલો કર્યો હતો. જોકે ભાજપે આજે આ રિપોર્ટનો હવાલો આપીને યુપીએ સરકાર દરમિયાન આ ભ્રષ્ટાચાર થયો હોવાનુ કહ્યુ છે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાનુ કહેવુ છે કે, આ મામલો ૨૦૦૭ થી ૨૦૧૨ વચ્ચેનો છે.આ સોદામાં દલાલ તરીકે એસ એમ ગુપ્તાનુ નામ આવે છે.આ એજ વ્યક્તિ છે જેનુ નામ ઓગસ્ટા વેસ્ટલ લેન્ડ હેલિકોપ્ટર સોદાના ગોટાળામાં પણ ઉછળ્યુ હતુ. ગુપ્તા લાંચ આપવાની રમતનો બહુ જુનો ખેલાડી છે.ઓગસ્ટા કેસમાં પણ તે જ કમિશન એજન્ટ હતો. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ કાર્યકાળમાં કમિશન ઓફ એગ્રીમેન્ટ અમે જોયુ હતુ. આ એગ્રીમેન્ટમાં ૪૦ ટકા કમિશનની વાત થઈ છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ રાફેલને લઈને માહોલ બનાવ્યો હતો. તેમને લાગતુ હતુ કે, રાજકીય ફાયદો મળશે પણ દેશ જોઈ રહ્યો છે કે, વાસ્તવિકકતા શું છે. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યુ હતુ કે, તમે બહુ જલ્દી સોદાબાજી કરીને ૫૨૬ કરોડનુ વિમાન ટેન્ડર વગર ૧૬૭૦ કરોડમાં ખરીદી લીધું છે. રાફેલ ડીલમાં એ હિસાબે તો ૪૧૦૦૦ કરોડનો ગોટાળો થયો છે. પીએમ મોદી રંગેહાથ પકડાઈ ગયા છે. પહેલા ટુજી અને બાદમાં વિનોદ રાયે માંગેલી માફી બાદ હવે રાફેલ કેસ આવ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ટેન્ડર વગર આટલો મોટો સોદો કરવામાં આવ્યો હતો અને પીએમ મોદીએ જાતે હસ્તક્ષેપ કરીને ડિફેન્સ મિનિસ્ટ્રીને પણ નજર અંદાજ કરી હતી.આ દલાલ સામે ૨૬ મહિનાથી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ફ્રાંસના મેગેઝિનનો દાવો છે કે, રાફેલ વિમાન બનાવતી કંપની દસોલ્ટે ભારત પાસેથી ઓર્ડર મેળવવા માટે એક વચેટિયાને ગુપ્ત રીતે ૭.૫ મિલિયન યુરો ચુકવ્યા હતા.આ રકમ માટે બોગસ બિલોનો ઉપયોગ કરાયો હતો.