ડિમોલિશન મકાનનું કે માનવતાનું? મકાનો તૂટતા પ્રસુતાઓ, વૃદ્ધોની હાલત કફોડી

753
gandhi7518-3.jpg

બોરીજમાં મકાનો તોડવા તંત્રએ ઘોંસ બોલાવતા રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. સામાન કાઢવાની સાથે સાથે નાના બાળકો, બિમાર સભ્યો, વડીલોને હવે કયાં લઇ જવા તે પ્રાણપ્રશ્નો ઉભો થયો હતો. 
ઘણી બહેનો પિયરમાં ડીલવરી કરવા આવી છે, ઘણા પરીવારમાં એકથી બે માસનાં બાળકો છે, ઘણા ઘરોમાં વડીલો પથારીમાં છે, બિમારીનાં ખાટલા છે. તંત્રએ લાઇટ, પાણી અને ગેસ કનેકશન કાપી નાંખ્યા છે. 
૪૨ ડીગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે લાઇટ કપાતા આવા લોકોનું શું કરવુ તે પરીવારોને સમજાતુ નથી. જે લોકોનાં મકાન હજુ તુટ્યુ નથી તેમાં પણ લાઇટ કે પાણી ન હોવાથી રાંધી શકાય તે બાળકોને જમાડી શકાય તેવી સ્થિતી નથી.
સગુણાબેન વણઝારા કાચી ઇંટો ગોઠવીને રહીને મજુરી કરે છે. ઉપર છુટ્ટુ છાપરૂ મુક્યુ છે, સગુણાબેને વિલા ચહેરે જણાવ્યુ હતુ કે અમારે તો પાડવા જેવુ કે લઇ જવા સિવાય ઇંટો સિવાય કશુ નથી. કયાં જઇશુ તે ખબર નથી. સરકારીને ગરીબોની હાય લાગશે. ઘર છીનવવા કરતા મારી નાંખવા હતા.
ગરીબ પરીવારનું સૌથી મોટુ સપનું ઘરનાં ઘરનું હોય છે, ઘર તથા બાળકોને સંભાળતી મહિલાઓમાં ઘર પ્રત્યે વિશેષ લગાવ હોય છે. ત્યારે જેમ તેમ કરીને ઉભા કરેલા પોતાનાં મકાનોને નજર સામે તુટતા જોઇને મહિલાઓ રડતી જોવા મળતી હતી. વિરોધ કરતા લોકોને ખાળીને પોલીસે આગળ રહીને જેસીબીને દબાણો સુધી લઇ જતા યુધ્ધમાં ચડાઇ થઇ રહી હોય તેવુ દ્રશ્ય જોવા મળતુ હતુ. 
જેસીબીની પાછળ પોલીસ તથા લોકોનો કાફલો દોડતો હતો. મહિલાઓએ જેસીબીને અટકાવવાનો પ્રયાસો કર્યો હતો પરંતુ મહિલા પોલીસે માર્ગ મોકળો કર્યો હતો. દબાણોનાં મકાનોમાં ૫ જેસીબી કામે લગાડતા ધડાધડ મકાનોનાં પતરાનાં છાપરા તથા દિવાલો ભોય ભેગી થવા માંડી હતી. મકાન તુટતા જતા હતા તેમ પરીવારની મહિલાઓ તથા બાળકોનો પણ આક્રંદ વધતો જતો હતો.

Previous article ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધી મંડળ ઈજરાયેલ અને જોર્ડનની મુલાકાતે જશે 
Next article બાલવા હનુમાનજી મંદિરની દાનપેટી તોડનાર બે ઝડપાયા