૧૫ હજાર ઉપરાંત ગુણોથી યાર્ડમાં મગફળીનો ભરાવો : યાર્ડમાં બોરીઓનો ખડકલો થઈ જતાં ચેરમેને એક દિવસ માટે યાર્ડમાં મગફળી લાવવા પર પ્રતિબંધ મુક્યો : અનાજ, કઠોળ તેમજ શાકભાજીની હરાજી સહિત વેચાણ રેગ્યુલર શરૂ
નવા વર્ષના પ્રારંભ સાથે જ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ધોમ આવક શરૂ થતાં અને યાર્ડમાં મગફળીનો ભરાવો થઇ જતા આખરે એક દિવસ માટે યાર્ડમાં મગફળી ન લાવવા અને આજથી મગફળી લાવવા ચેરમેન દ્વારા ખેડૂતોને સુચના આપવામાં આવી હતી. જો કે ગઇકાલે લાભ પાંચમથી મગફળીની હરાજી શરૂ થઇ જવા પામી હતી. આજે બુધવારે મગફળીનું રૂ. ૯૯૫થી ૧૪૨૫ના ભાવે વેચાણ થવા પામ્યું હતું.
ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે દિવાળીની રજાઓ બાદ ગઇકાલે લાભ પાંચમથી વેપારીઓ અને ખેડૂતોના સ્નેહમિલન બાદ ફરીથી વેપાર-ધંધા શરૂ થયા હતા. ખેડૂતોએ પાંચમના મુહૂર્તમાં મગફળીનું વેચાણ કરવા માટે યાર્ડમાં બોરીઓનો ખડકલો કરી દીધો હતો, જેના કારણે યાર્ડમાં ચોતરફ મગફળીની બોરીઓ હોવાથી જગ્યા ન રહેતા ચેરમેન દ્વારા એક દિવસ માટે યાર્ડમાં મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આજથી ખેડૂતો પોતાની મગફળીનો પાક યાર્ડમાં લાવી શકશે. હાલમાં ૧૫ હજાર ઉપરાંત મગફળીની ગુણો યાર્ડમાં પડી છે અને હરાજી શરૂ છે તેમજ મોટાપાયે મગફળીનું વેચાણ થઇ રહ્યું છે. વક્કલ વાઇઝ રૂા. ૯૯૫થી ૧૪૨૫ના ભાવે મગફળીનું વેચાણ થઇ રહ્યું હોવાનું ચેરમેન નરેન્દ્રસિંહે જણાવ્યું હતું. તેમના દ્વારા જણાવ્યા મુજબ સરકાર દ્વારા વરસાદની આગાહીના પગલે હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ નથી. જો કે રજીસ્ટ્રેશન હજુ શરૂ છે, ઉપરાંત હાલમાં અનાજ, કઠોળ તેમજ શાકભાજીની હરાજી સહિત વેચાણ રેગ્યુલર શરૂ હોવાનું પણ ચેરમેને જણાવ્યું હતું.