ગૌરીશંકર સરવોર ખાતે છઠ્ઠ પુજા કરવામા આવી
ભાવનગર શહેરના બોરતળાવ ખાતે પરપ્રાંતિઓ દ્વારા પરંપરાગત રીતે છઠ પુજા કરવામાં આવી હતી. યુપી બિહાર સહિતના રાજ્યમાં વસતા પરપ્રાંતીઓ દ્વારા દિવાળીના તહેવારો બાદ છઠ્ઠના દિવસે જળાશયો ખાતે પૂજા કરવામાં આવે છે. આજે પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવ ખાતે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા પરપ્રાંતીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને તમામ લોકો દ્વારા સહ પરિવાર સાથે વિધિવત રીતે છઠ પૂજાની ઉજવણી કરાઇ હતી. યુપી બિહારના લોકોની માન્યતા પ્રમાણે દિવાળી બાદ ઘરમાં સુખ-શાંતિ આવે તેવા હેતુથી જળાશયો ખાતે આખી શેરડીના સાઠા સાથે દીપ પ્રગટાવી પ્રસાદ અર્પણ કરી જળ દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમજ બીજા દિવસે સાતમ નિમિત્તે વહેલી સવારે પણ પૂજા કરવાની વિધિ કરવામાં આવે છે. કોરોના મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી છઠ પુજા દરમિયાન સરકારની ગાઈડલાઈન અનુસાર સીમિત સંખ્યામાં લોકો એકઠા થતા હતા. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવતા ગૌરીશંકર સરોવર ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો દ્વારા છઠ પુજા કરવામાં આવી હતી.