લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન નહી, પણ બે પરિવારનું મિલન છે, તેમ આજે ગાંધીનગર ખાતે ગુજરાત સેનવા રાવત વિકાસ સંધ દ્વારા આયોજિત ૧૭ મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
આ સમૂહલગ્નોત્સવમાં પ્રભુતા પગલા માંડનારા ૨૫ નવદંપતિઓને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આર્શીવાદ આપીને જણાવ્યું હતું કે, લગ્ન પછી વર-વધુને બે મા-બાપ મળે છે. આપણા સમાજમાં લગ્ન જીવનને પવિત્ર બંધન માનવવામાં આવે છે. તેમજ સાત ફેરા ફરનાર નવયુગલ સાતભવ સુધી એક બીજા સાથે બંધાઇ અને સુખ – દુઃખના ભાગીદાર બને છેતેવી પણ લોકવાયકા છે. સરકાર દ્વારા દરેક નવ દંપતિને સાત ફેરા સમૂહ લગ્નોત્સવ અને કુંવરબાઇનું મામેરુ યોજના થકી ૨૦ હજારની સહાય આપવામાં આવી હતી. તેમજ વિકાસ સંધને યુગલ દીઠ બે-બે હજાર મળીને કુલ- ૫૦ હજાર આપવામાં આવ્યા હતા.
મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નમાં દીકરીને ઓછું ન લાગે અને સાસરિયામાં કોઇ મેણા ન મારે તેની ચિંતા મા-બાપને હોય છે. મા-બાપની આ ચિંતા સમૂહ લગ્નોત્સવથી દૂર થાય છે. સમૂહ લગ્નોત્સવ થકી આયોજક દીકરીના મા-બાપ બને છેઅને ઓછું ન મળે તેની ચિંતા પણ કરે છે. સેનવા- રાવત સમાજ પરિશ્રમ કરનારો સમાજ છે. સમાજ પ્રગતિ કરે, કુરિવાજો બંધ થાય અને આજના સમય સાથે કદમથી કદમ મિલાવી ચાલે તે જરૂરી છે. આ સરકાર સામાજિક સમરસતાનું વાતાવરણ ઉભું કરીને સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર ચાલી રહી છેતેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સમૂહ લગ્નોત્સવ થકી સમાજ ભાવ પેદા થાય છે, તેવું કહી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાનું કામ ધણું કપરું છે.૧૭ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર સર્વે સમાજના અગ્રણીઓ અને એમની ટીમના સભ્યોને અભિનંદન આપ્યા હતા. તેમણે લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતિઓને સુખી લગ્ન જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કુંવરબાઇનું મામેરૂ, સાત ફેરા સમૂહ લગ્નોત્સવ જેવી વિવિધ યોજનાની પણ વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખજીતુભાઇ વાધાણી અને સાંસદ ડૉ. કિરીટભાઇ સોલંકીએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતા. ગુજરાત સેનવા રાવત વિકાસ સંધના પ્રમુખ પૂનમભાઇ મકવાણાએ સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર , ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબેન વાધેલા, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સેનવા રાવત સમાજના ભાઇ-બહેનો પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં