આનંદનગરના જલારામ મંદિરે દર વર્ષે યોજાતો મહાપ્રસાદ મોકૂફ રાખવામાં આવ્યો
ભાવનગરમાં પૂ.જલારામ બાપાની 222 મી જન્મ જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આનંદનગર ખાતે આવેલા જલારામ મંદિરે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રક્તદાન કેમ્પ, બી.પી અને ડાયાબિટીસ તપાસ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આનંદનગર જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે પૂ.બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે, આજે મંદિરમાં દર્શન સવારે સવારે 6 થી રાત્રીના 8 કલાક સુધી ચાલુ રહેશે. મહાઆરતી સવારે 7, બપોરે 12 અને સાંજે 7 કલાકે થશે. પૂ.બાપાનું પૂજન અને ધજા પૂજન સવારે 9 કલાકે કરવામાં આવ્યું હતું.આનંદનગર જલારામ મંદિર ખાતે દરવર્ષે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવે છે. જોકે, કોરોના મહામારીના કારણે અનેક કાર્યકમો બંધ રાખવામાં આવ્યાં છે. મહાપ્રસાદનું આયોજન આ વર્ષે કોરોનાના કારણે બંધ રાખવામાં આવ્યું હતું. દર વર્ષે 50 હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. જે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જનસેવાના ભાગરૂપે રેડક્રોસના સહકારથી સવારે 10 થી 2 દરમિયાન રક્તદાન શિબિર તથા બી.પી અને ડાયાબિટીસ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કરનારા રક્તદાતાઓને ભેટ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. આ આયોજનને સફળ બનાવવા માટે જલારામ મંદિરના ટ્રસ્ટી અરવિંદ કારીયા, ભદ્રેશ ઠક્કર, રમણીક માવાવાળા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી,