મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રના અભિનવ આયામો એવા ત્રિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ, નગરપાલિકાઓના તંત્રને સુદ્રઢ અને વધુ સેવાભિમુખ બનાવવા પ્રાદેશિક કમિશનરેટ પ્રારંભ તેમજ સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રૂ. ૧૦૧૦ કરોડના ચેક વિતરણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં ૧રપ ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુકિત આપીને આ સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મુકયો છે કે તે ખોટું નહીં જ કરે. મુખ્યમંત્રીએ આ ઓન લાઇન પદ્વતિ શરૂ કરવા સાથે ૧૬ર નગરપાલિકાઓના વહીવટને જવાબદેહ અને સ્થાનિક સ્તરે નિર્ણય તથા વિકાસ આયોજન માટે પ્રાદેશિક કચેરીઓ સંપૂર્ણ સત્તાધિકારો સાથે શરૂ કરવાની પહેલ ગુજરાતે કરી છે તેમ પણ જણાવ્યું હતું.
રાજ્યના સમગ્ર નગરપાલિકા તંત્રને અન્ડર વન અમ્બ્રેલા લાવવાની આ પહેલ ગુજરાતના સર્વગ્રાહી વિકાસને શો કેશ કરશે તેવો વિશ્વાસ શ્રી વિજયભાઇએ દર્શાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને શહેર સુધરાઇઓ-નગરપાલિકા-મહાનગરપાલિકામાં જનસુવિધા-લોક વિકાસના કામોમાં કોઇ ગેરરીતિ-ભ્રષ્ટાચાર કે ખોટી કાર્યપ્રણાલિને અવકાશ જ ન રહે તેવી ઇચ્છાશકિતથી આ ઓન લાઇન પધ્ધતિ શરૂ કરી છે.
તેમણે ઉમેર્યું કે આ ઓન લાઇન સિસ્ટમથી અરજદારને પોતાની અરજીનું સ્ટેટસ ફિંગર ટીપ પર જાણવા મળશે તેમજ નિશ્ચિત સમયમર્યાદામાં નિકાલની સુવિધા પણ સરળતાએ આપોઆપ ઉપલબ્ધ થશે. ગુજરાતનો આ ગુડ ગર્વનન્સ અને ટ્રાન્સપરેન્ટ એડમીનીસ્ટ્રેશનનો પ્રયોગ દેશનું દિશાદર્શન કરશે એમ તેમણે ઉમેર્યું હતું. શહેરી વિકાસ વિભાગના અગ્રસસચિવ મુકેશપુરીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પારદર્શી વહીવટ માટે શહેરી ક્ષેત્રે બાંધકામ ક્ષેત્રની મંજૂરી વ્યવસ્થાપન માટે ઓન લાઇન ડાયરેકટ પરમીશન સીસ્ટમ કાર્યરત કરી. જેના થકી મંજુરી ઝડપથી મળતાં વિકાસ કામો વેગવાન થશે અને રાજ્યમાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. જી.આઇ.એસ.ના માધ્યમથી મોબાઇલ એપ સાથે જોડીને એન્જીનીયર્સ, આર્કિટેક સહિતની વિગતો ટી.પી.સ્કીમની માહિતી પણ નાગરિકોને સરળતાથી મળી રહેશે.