મુંબઈ,તા.૧૧
છેલ્લા કેટલાક દિવસથી વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. બંનેના લગ્ન ડિસેમ્બરમાં રાજસ્થાનમાં થવાના છે. કેટરીના અને વિકીએ લગ્ન માટે તેમના તમામ પ્રોફેશનલ કામ હોલ્ડ પર મૂક્યા છે. એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલ બોલિવુડ લાઈફ ડોટ કોમના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાને પણ કેટરીના કૈફના લગ્નમાં હાજર આપવા માટે ટાઈગર ૩નું શૂટિંગ પાછળ ઠેલવ્યું છે. કેટરીના અને વિકીના લગ્ન બાદ જાન્યુઆરીમાં ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. ટાઈગર ૩માં સલમાન ખાનની ઓપોઝિટમાં કેટરીના કૈફ છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ૭૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન થવાના છે. ૭થી ૯ ડિસેમ્બર એમ ત્રણ દિવસના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કેટરીના તેના જીવનના આ ખાસ દિવસે સબ્યસાચીએ ડિઝાઈન કરેલો લહેંગો પહેરવાની છે. ઘણા વર્ષ પહેેલા કેટરીનાએ કોઈ રાજસ્થાની લગ્નમાં હાજરી આપી હતી. તે સમયે તેણે પણ મહારાણી સ્ટાઈલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ સિવાય બંને પાસે હાલ ફિલ્મો પણ ઘણી છે, તેથી ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશમાં જવાના બદલે રાજસ્થાનમાં પરણવાનું નક્કી કર્યું છે. સલમાન ખાનની વાત કરીએ તો, તે હંમેશા મિત્રોની પડખે ઉભો રહે છે. ગયા મહિને તે ખાસ ફ્રેન્ડ શાહરૂખ ખાનની સતત પડખે ઉભો રહ્યો હતો જ્યારે ડ્રગ્સ કેસમાં તેના દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. સલમાન ખાન ટાઈગર ૩ જ્યારે શાહરૂખ ખાન પઠાણનું શૂટિંગ કરવાનો હતો. પરંતુ, રિપોર્ટ પ્રમાણે શાહરૂખ ખાન દીકરા આર્યન ખાન સાથે કેટલાક દિવસ પસાર કરવા ઈચ્છતો હતો, જે હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. કિંગ ખાન બ્રેક પર છે તો સલમાને તેનું શૂટિંગ શિડ્યૂલ જાન્યુઆરી સુધી પાછળ ઠેલવ્યું છે.