ભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે

109

સરહદ પર તણાવની વચ્ચે ભારતનો મહત્વનો નિર્ણય : તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત ૧૫૨ દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે
નવી દિલ્હી, તા.૧૧
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો છે. ભારતે ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા (ઈ-વિઝા) નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત ઈ વિઝા નહીં આપે. જો કે તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત ૧૫૨ દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે. ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ અગાઉ ભારતે ૧૭૧ દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપી હતી. કહેવાય છે કે પીપલ્સ લિબરેશન આર્મી સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. ગત એક વર્ષમાં લદાખ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ચીન અને ભારતના સૈનિકો આમને સામને જોવા મળ્યા હતા. કોવિડ દરમિયાન રદ થયા હતા તમામ દેશોના ટુરિસ્ટ ઈ વિઝા ભારતે ૨૦૧૫-૧૬માં ચીની પર્યટકો માટે પ્રાયર રેફરલ કેટેગરી (PRC) નિયમોમાં ઢીલ આપી હતી અને ચીને ઈ-વિઝા મેળવનારા ૧૭૧ દેશોમાં સામેલ કર્યું હતું. ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન,ઈરાક, સૂડાન ઉપરાંત પાકિસ્તાની મૂળના વિદેશી પીઆરસી હેઠળ આવતા હતા. જો કે માર્ચ ૨૦૨૦માં યાત્રા પ્રતિબંધોની જાહેરાત બાદ કોવિડ-૧૯ના પ્રકોપ સમયે તમામ ટુરિસ્ટ ઈ-વિઝા રદ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઓગસ્ટ ૨૦૨૦માં ભારતની સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેના નિયમોમાં ઢીલ આપી હતી અને અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, જર્મની અને ફ્રાન્સના નાગરિકોને એર બબલ સ્કિમ હેઠળ ભારત આવવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ બે મહિના પછી ઈલેક્ટ્રોનિક, પર્યટક અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા માટે પ્રતિબંધોમાં વધુ ઢીલ અપાઈ હતી. ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ હાલ ઈ વિઝા અને ૬ ઓક્ટોબર પહેલા જારી કરાયલા પર્યટક વિઝા સસ્પેન્ડ રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ હજાર નવા કેસ નોંધાયા