આજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે : બી.એચ ઘોડાસરા
આજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે તેમ રાજ્ય બિન અનામત વર્ગ, શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બી.એચ ઘોડાસરાએ ભાવનગરના શહેરી વિસ્તારના ’નિરામય ગુજરાત” કાર્યક્રમના લોન્ચિંગ અવસરે જણાવ્યું હતું.
આ અવસરે તેમણે જણાવ્યું કે, આપણે ત્યાં કહેવત છે કે, ’પ્રથમ સુખ તે જાતે નર્યા’ એટલે કે આપણાં વ્યક્તિગત જીવનમાં આરોગ્યને સૌ પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે, જો શરીર તંદુરસ્ત હશે, તો મન તંદુરસ્ત રહેશે અને આપણી તંદુરસ્તી જળવાઇ રહેશે.તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક જબરજસ્ત સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ દ્વારા ૩૦ વર્ષથી વધુ ઉંમરના રાજ્યના ત્રણ કરોડ લોકોને લાભ મળવાનો છે. તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ આ અવસરે જણાવ્યું કે, આપણે હમણાં જ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈને નીકળ્યા છીએ. કોરોનામાં જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી તેમને ખૂબ તકલીફ પડી હતી. પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા પ્રયત્નોને કારણે વધુને વધુ રસીકરણ દેશમાં થઈ રહ્યું છે. જેનાથી કોરોના સામે આપણને પ્રતિ રક્ષણ મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બિન ચેપી રોગોની આપણને ખબર હોતી નથી. પરંતુ જો નિયમિત ધોરણે તેની તપાસ થાય તો તુરંત જ એની ખબર પડી શકે અને કેન્સર, બી.પી., ડાયાબિટીસ જેવાં ચેપી રોગોથી બચી શકાય છે. તેમણે ઉમેર્યું કે, નાણાંના અભાવે આપણે લેબોરેટરીમાં તપાસ કરાવતાં નથી, પરંતુ આપણે તો નિયમિત યોગ કરીએ,સ્વચ્છતા જાળવીએ તો રોગ આવે તે પહેલાં જ સાવધ રહીને તેને અટકાવી શકીએ છીએ.આ અવસરે ટોકન રૂપે પ લોકોને નિરામય કાર્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના પ લોકોને ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં. આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ પંડ્યા, શાસક પક્ષના દંડક પંકજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી તથા કોર્પોરેટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.