બજાર સારી હોવાના કારણે શહેર-જિલ્લાના તમામ કારખાનાઓ રાબેતા મુજબ શરૂ થવાની આશા
દિવાળી પૂર્વે છેલ્લા ત્રણેક માસથી હીરાની વિદેશોમાં માંગ વધવાના કારણે તેજી જોવા મળી હતી.
છેલ્લા દોઢ બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલી હીરા બજારની ચમક દિવાળી પૂર્વે ફરી પાછી આવી હોય અને દિવાળી વેકેશન પડ્યા બાદ હવે તેજી બરકરાર રહે તે માટે દેવ દિવાળીથી મોટાભાગના હીરાના કારખાનાઓ ફરીથી ધમધમવા લાગશે તેવી આશાઓ વ્યક્ત કરાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અન્ય ધંધાઓની સાથોસાથ હીરા બજાર પણ મંદીનો સામનો કરી રહી હતી પરંતુ છેલ્લા ત્રણેક માસથી બજારમાં હીરાની માંગ વધતા તેજીનો માહોલ સર્જાયો છે અને કારીગરોને પણ સારૂ કામ મળી રહ્યું છે તે દરમિયાન દિવાળી વેકેશન પડેલ. ભાવનગર અને સુરતમાં હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન પડ્યા બાદ અનેક કારખાનાઓ અને ઓફિસો બજાર સારી હોવાના કારણે પાંચમથી જ ખુલી જવા પામ્યા છે અને લગભગ તમામ કારખાનાઓ અને ઓફિસો નિયત સમય દેવ દિવાળીથી શરૂ થઇ જશે તેવી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશનના વિઠ્ઠલભાઇ મેંદપરાએ આશા વ્યક્ત કરી છે. દિવાળી પૂર્વે હીરા બજારમાં આવેલી તેજીના કારણે કારીગરોને મહત્તમ કામ થવા પામેલ અને આવક થવા પામેલ જેના કારણે દિવાળી દરમિયાન બજારમાં પણ નાના-મોટા વેપારીઓને સારી ઘરાકી રહેવા પામેલ અને અન્ય બજારોમાં પણ તેજી જોવા મળી હતી. હવે લગ્નગાળાની સિઝન આવતી હોય તેમાં પણ લોકોના ધંધા-રોજગાર સારા રહેવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. ભાવનગર અને સુરતમાં રાબેતા મુજબ હીરા ઉદ્યોગ દેવ દિવાળીથી ફરીથી ધમધમતો થઇ જશે તેવી આશા સાથે મજુરીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આમ હીરા ઉદ્યોગમાં તેજી રહેશે તો અન્ય ધંધા-ઉદ્યોગ પણ ધમધમતા રહેશે તેવું મનાઇ રહ્યું છે.