સમૂહ લગ્ન એ સમાજ વચ્ચે સારા વિચારો વહેંચવાનો અવસર છે : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા
ભાવનગર જિલ્લાના શિહોર-સોનગઢ રોડ પર રેલવે ક્રોસીંગ પાસે સરદારનગરી ખાતે લેઉવા પટેલ સમાજનો ૨૭મો સમૂહ લગ્ન સમારોહ મહાનુભાવોએના હસ્તે યોજાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જણાવ્યું છે કે, સમૂહ લગ્ન એ સમાજ વચ્ચે સારા વિચારો વહેંચવાનો અવસર છે.સમાજ કેવો છે,સમાજની સ્થિતિ શું છે, સમાજ ભવિષ્યમાં શું કરવાનો છે, તેની પ્રગતિનો અંદાજ આ સમૂહ લગ્ન અને તેના આયોજન પરથી આવતો હોય છે. સમાજમાં મહેનત કરીને સંપત્તિ ઘણાં બધાં લોકો કમાય છે, પરંતુ આવા સારા પ્રસંગો માટે તે સંપત્તિ ઉપયોગમાં આવે તો એ ઈશ્વરે આપેલું દ્રવ્ય બની જાય છે.સમાજ માટેની પ્રસાદી બની જાય છે.
તેમણે જણાવ્યું કે, શાસ્ત્રો આપણને શીખ આપે છે કે,સ્થિતિને અનુરૂપ વર્તન કરવું જોઈએ. તેમણે માનવીની ભવાઈનું ઉદાહરણ આપીને જણાવ્યું કે, સમૂહ લગ્ન દ્વારા માગવી ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને દીકરીના માતા-પિતાનું સન્માન પણ જળવાય છે. સંસ્કારનો વારસો પાટીદારોને વારસામાં મળ્યો છે. ત્યારે દહેજ જેવી ઘટનાઓના ઇતિહાસમાંથી પ્રેરણા લઇ તેનાથી આગળ વધીએ એ જ સમયની માંગ છે. તેમણે સમૂહ લગ્નમાં સહભાગી થનાર દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી આગળના જીવનની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સમાજની તાકાત સમૂહ રીતે જોડાય ત્યારે સમૂહ લગ્ન જેવાં વિશાળ કાર્યો સફળ થતા હોય છે. સિહોર તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૭ મા સમૂહ લગ્ન સમારોહમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આજના મોંઘવારીના જમાનામાં સમૂહલગ્નમાં જોડાવવા માટે નાનપ ન અનુભવવી જોઈએ. આવાં સમુહ લગ્નથી સમાજમાં એક સારો સંદેશો જશે અને જે લોકો સમૂહ લગ્નમાં નથી જોડાતા તેઓ પણ તેમાં જોડાવા માટે પ્રેરાશે. આ ઉપરાંત બિનજરૂરી દેવું કરવાના ટેન્શનમાંથી પણ મુક્ત થઇ શકાશે. સમૂહ લગ્નમાં જોડાવાથી સમાજ વચ્ચે લગ્ન થાય છે. જેને સમાજ- સંતોના આશીર્વાદ મળે છે અને દંપતીના જીવનમાં તે યાદગાર પ્રસંગ બની રહે છે તેમણે વધુમાં જણાવ્યું હતું. આજે અગિયારસનો શુભ દિવસ છે અને આજે સમાજમાં ઠેર- ઠેર તુલસી વિવાહ થવાનાં છે. તેવા શુભ દિવસે સમાજના દીકરીઓના લગ્ન થતા હોય તેનાથી રૂડો અને શુભ અવસર બીજો કોઈ ન હોઈ શકે. મંત્રીએ સમૂહ લગ્નનું સફળ આયોજન કરવા માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં. આ સમૂહ લગ્નના અવસરે પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, સમૂહ લગ્નના દાતા મનહરભાઈ, બાદશાહભાઈ તથા સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.