સવારે મંડપ મુહૂર્ત, બપોરે બેહનો માટે પૂજા વિધિ, સાંજે નાના-મોટા આયોજનો દ્વારા ભવ્ય વિવાહ
કલાનગરી તરીકે જાણીતું ભાવેણુ ઉત્સવોની ઉજવણી કરવામાં પણ હંમેશા તત્પર રહે છે. દરેક તહેવારોની ભાવેણામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સોમવારના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. રસ્તા પર રંગોળીઓ બનાવવા સાથે કમાનો અને ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. જો કે,
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આયોજનો થયા ન હતાં પરંતુ હવે કોરોના કેસો ઘટતા અને સરકાર તરફથી છુટ મળતા આ વર્ષે શહેરમાં અનેક સ્થળોએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે સતત ૭૦ વર્ષથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત કાળીયાબીડ ખાતે રીધ્ધી સિધ્ધી મિત્ર મંડળ દ્વારા સતત ૨૦ વર્ષથી આયોજન કરાય છે. જ્યારે ભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા પણ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
ડાયમંડ ચોક ખાતે સોમવારે યોજાનાર તુલસી વિવાહની તૈયારીના ભાગરૂપે વિશાળ રંગોળીનું સર્જન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મંડપ મુહૂર્ત, ૧૫મીએ જાન આગમન બાદ રાત્રીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે જેમાં રાજેશ્રીબેન પરમાર સહિતની ટીમ દ્વારા લગ્ન ગીતોનો કાર્યક્રમ પણ થશે જેની પ્રમુખ રાજેશ જોષી સહિત સભ્યો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જ્યારે કાળીયાબીડ ખાતે રીધ્ધી સિધ્ધી મિત્ર મંડળ દ્વારા પ્રમુખ પરેશભાઇ પંડ્યાના નેતૃત્વ હેઠળ તુલસી વિવાહનું આયોજન થશે જેમાં સુરભી પરમાર તથા અજીત પરમાર દ્વારા લગ્ન ગીતોની રમઝટ બોલાવાશે. આ ઉપરાંત ભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ધર્મેન્દ્રભાઇ મહેતાની આગેવાની હેઠળ શ્રીનાથજી રોડ ઉપર તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ તમામ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. તુલસી વિવાહ દરમિયાન રાજકિય, સામાજિક આગેવાનો ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.