ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનો તાદ્રશ્ય નમુનો આજે શહેરમાં જોવા મળ્યો હતો જેમાં ગુનાની તપાસ માટે ગઢેચી વડલાથી કુંભારવાડા રોડ પર આવેલા મારૂતીનંદન કોમ્પ્લેક્ષનાં ત્રીજા માળે ગયેલા ડી.ડીવીઝન પો.સ્ટે.નાં બે કોન્સ્ટેબલ ઉપર ધડાધડ ફાયરીંગ થવા પામ્યુ હતું બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી તી જ્યારે બનાવને લઈને એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતનો શહેરભરનો પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત પો.કો.ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં ડી.ડીવીઝન પો.સ્ટે.માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દશરથસિંહ બબભા ગોહિલ અને લગ્ધીરસિંહ ગોહિલ બન્ને કુંભારવાડાથી ગઢેચી વડલા રોડ વચ્ચે આવેલા મારૂતીનંદન કોમ્પલેક્ષનાં ત્રીજા માળે ગુનાની તપાસ માટે ગયા હતા જ્યાં બન્ને કોન્સ્ટેબલો ઉપર અંદર રહેલા શખ્સો તેની પાસે રહેલી પીસ્તોલમાંથી ધડાધાડ ફાયરીંગ કરતા દશરથસિંહ ગોહિલે ખંભાના ભાગે ગોળી વાગી હતી જ્યારે ઝપાઝપીમાં લગ્ધીરસિંહને પણ ઈજા થવા પામી હતી. પોલીસ કોન્સ્ટેબલો ઉપર ફાયરીંગની ઘટનાની જાણ થતા લોકોનાં ટોળા એકઠા થયા હતા જ્યારે તુરંત જ ઘટનાસ્થળે એસ.પી. દિપાંકર ત્રિવેદી, ડીવાય.એસ.પી.ઠાકર, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ભાવનગરનાં તમામ ડીવીઝનનનાં પી.આઈ. સહિત પોલીસનાં ધાડે ધાડા ઘટનાં સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે બન્ને ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલોને ડો.જે.એફ.રાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ઘટનાં સ્થળેથી પીસ્તોલ, કાર્ટીસ સહિતનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો આ બનાવથી ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.