કેમ્પ માટેની પસંદગીમાં જુદી જુદી કોલેજની ૪૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો : કેમ્પના કારણે વિધાર્થીનીઓ સાહસિક પ્રવૃતિમાં વધુ રૂચી કેળવતી થઇ
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરમાં અભ્યાસ કરતી ૨૮ વિધાર્થીનીઓની એમકેબી યુનિ. દ્વારા આયોજિત સાહસિક પ્રવૃતિના ભાગ રૂપે બેઝિક અને એડવાન્સ પર્વતારોહણના કેમ્પમાં પસંદગી કરવામાં આવી હતી. તાજેતરમાં એમકેબી યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સાહસિક પ્રવૃતિને વધુ વેગ મળે અને વિધાર્થીનીઓ શારીરિક રીતે મજબૂત બને તે હેતુથી યુનિ. ગ્રાઉન્ડ ખાતે બેઝિક અને એડવાન્સ પર્વતારોહણ કેમ્પ માટે પસંદગી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરની જુદી જુદી કોલેજની ૪૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય અને અભ્યાસની સાથે સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ મજબૂત બને તે હેતુથી દર વર્ષે ટ્રેકિંગ કેમ્પ, કરાટે શિબિર, કોસ્ટલ ટ્રેકિંગ, પર્વતારોહણ કેમ્પનું આયોજન કોલેજ દ્વારા કરવામાં આવે છે. જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ સાહસિક પ્રવૃતિમાં વધુ રૂચી કેળવતી થઇ છે. કોલેજ દ્વારા સાહસિક પ્રવૃતિના પ્રોત્સાહનના કારણે એમ.કે.બી. યુનિ. દ્વારા આયોજિત બેઝિક અને એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી થતાં કોલેજના સમગ્ર પરિવારે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.