ભાવનગર મહાનગર પાલિકાના મેયર, ડે.મેયર અને કારોબારી સમિતિના ૧ર સભ્યોની ચૂંટણી આગામી જુન મહિનાના છેલ્લા વિકમાં થવાના ચક્રોગતિમાન થઈ રહયા છે. મેયર અને ડે.મેયર અને કારોબારી સભ્યોની મુદત અઢી વર્ષ જુન મહિનામાં પુરી થવા જાય છે, એટલે હવે આ હોદ્દાઓની ચૂંટણી કાનુની પ્રક્રિયા મુજબ જુનમાં થવા જઈ રહી છે. ભાવનગર મહાનગર પાલિકાના મેયર નિમુબેન બાંભણીયા, ડે.મેયર મનભા મોરી અને કારોબારી સમિતિના ૧ર સભ્યોની અઢી વર્ષની મુદત જુન મહિનામાં પુરી થતા આ અંગેની ચૂંટણી થશે અને આ ચૂંટણી મહાનગર સેવા સદન ક્ષેત્રે રસાકસીભરી બની રહેશે. જયારે નવ જેટલી પેટા કમિટીઓની ચૂંટણી જુલાઈ માસમાં થવાની ધારણા છે પરંતુ પ્રથમ તો ઉપર જણાવેલા પદ્દોની પહેલા ચૂંટણી થશે.
રાજયના અન્ય કોર્પોરેશનો અમદાવાદ વિગેરેની આ પદ્દોની ચૂંટણી પણ જુન મહિનામાં જ થવાની પ્રક્રિયા અત્યારથી શરૂ થઈ છે. ભાવનગર મહાનગર પાલિકામાં હાલમાં બાવન નગરસેવકો છે તેમાં ભાજપના ૩૪ સભ્યો અને કોંગ્રેસના ૧૮ મળીને કુલ બાવનનો આંકડો થવા જાય છે. મહાનગર સેવા સદનમાં હાલ, ભાજપનું શાસન ચાલે છે અને ૧૮ સભ્યોની સંખ્યા ધરાવતા કોંગ્રેસ પક્ષ વિપક્ષની ભૂમિકામાં એટલે મેયર, ડે.મેયર અને સ્ટે.કમિટીના ૧ર સભ્યો ભાજપના જ ચૂંટાશે અને આ બાર સભ્યો ચૂંટાયા પછી તેમાંથી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નકકી થશે. હાલના મેયર નિમુબેન બાંભણીયા બે ટર્મથી મેયર પદે રહેવાની તક મળી છે તો બીજી બાજુ હાલ સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાને મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પદ માટે પાર્ટીએ તક આપી છે.
હવે જયારે જુનના અંતમાં મેયર, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યોની ચૂંટણી થનાર છે તેમાં મેયર તરીકે, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના નવા ચહેરાઓની પસંદગી થશે. મેયર પદ્દ માટે જે કેટલાંક નામો ભાજપ પાર્ટી વર્તુળમાં ચર્ચાય રહયાનો નિર્દેશ થાય છે, તેમાં ઉત્તર સરદારનગર વોર્ડના નગરસેવક અને નેતા યુવરાજસિંહ ગોહિલનું નામ દ્યણા લાંબા સમયથી સેવકોમાં ચર્ચાય રહયુ છે તો આ પદ માટે ઉત્તર સરદારનગર વોર્ડમાંથી ડે.મેયર પદ માટે ઉર્મિલાબેન ભાલનું નામ પણ ઉચ્ચ લેવલે ચર્ચામાં છે. આમ એક વોર્ડમાંથી બે હોદ્દા માટે ભારે રસાકસીની વાત ખુદ ભાજપ આગેવાનો વર્તુળમાંથી બહાર આવે છે એટલે મેયર પદ માટે પણ કેટલાંક વધુ નામો પાર્ટી લાઈનમાં મેયરપદના દાવેદાર તરીકે પણ ચાલે છે અને તેમાં અર્ધો ડઝન નામો બોલાય રહયા છે જેમાં રાજુભાઈ પંડયા, રાજુભાઈ રાબડીયા, ધીરૂભાઈ ધામેલીયા, અભયસિંહ ચૌહાણ, હિતેશકુમાર ફતેસિંહ સોલંકી, પરેશ પંડયા, દિવ્યાબેન વ્યાસ, જલ્વીકાબેન ગોંડલીયા, કુષ્ણકુમાર શાહ, કિશોર ગુરૂમુખાણીના નામો પણ આવા મહત્વના પદ માટે બોલાય છે. તો બીજી બાજુ પાર્ટી વર્તુળમાં એવી પણ ચર્ચા થાય છે કે ડે.મેયર પદ માટે કોઈ મહિલાને આ સ્થાને મુકવા તો તેમાં ઉર્મિલાબેન ભાલ, કિર્તિબેન દાણીધારીયા, બીનાબા રાયજાદા, ભારતિબેન બારૈયા, ગીતાબેન વાજા, શિતલબેન પરમાર, ઉષાબેન તનરેજીયા,યોગીતાબેન પંડયા આવા નામો પણ આ પદ માટે લાઈનમાં આવી રહયા છે. જો કે, આ બંન્ને પદ્દો ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યો ચૂંટાશે તેમાં પણ અનિલ શશીકાંત ત્રિવેદી, રાજુભાઈ રાબડીયા, અભયસિંહ ચૌહાણ, જલ્વીકાબેન ગોંડલીયા, કાન્તાબેન મકવાણા, યોગીતાબેન ત્રિવેદી, મનભા મોરી, કલ્પેશ વોરા, સુરેશભાઈ ધાંધલ્યા, ગીતાબેન બારૈયા, કિર્તિબેન દાણીધારીયા, ગીતાબેન બારૈયા, હિતેશ સોલંકી, રાજેશભાઈ પંડયા, જો કે, નિમુબેન બાંભણીયાને પણ કારોબારી સભ્ય તરીકે લઈ તેમને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન બનાવવાની પણ એક વાત વિચારાય રહી છે. આમ ભાવનગર મહાનગર પાલિકાના મેયર, ડે.મેયર અને કારોબારી સમિતિના ૧ર સભ્યોની ચૂંટણી થનાર છે, તેમાં આવા નામોના સમાવેશન હરીફાઈ થઈ રહી છે. જુન મહિનાના છેલ્લા વીકમાં મળનારા જનરલ બોર્ડમાં ઉપર પ્રમાણેના હોદ્દાઓ માટે થનારી ચૂંટણીમાં ભાજપના ૩૪ સભ્યોના જે નામો છે તે નામોના ભાજપ વર્તુળોમાં નિર્દેશો થઈ રહયા છે.
પ્રાપ્ત વિગત મુજબ પુર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અભયસિંહ ચૌહાણનો કોઈ મહત્વના હોદ્દામાં સમાવેશ કરવા ઉપર લેવલેથી કેટલીક મહત્વ પૂર્ણ ભલામણો થવાનો સંભવ છે. જુન મહિનામાં મળનારા બોર્ડમાં આવા હોદ્દાની ચૂંટણી થયા પછી ૯ પેટા કમિટીઓની ચૂંટણી જુલાઈ માસમાં થશે પરંતુ આ હોદ્દાઓ ફાળવાયા પછી અન્ય પેટા કમિટીઓના સભ્યો અને તેના ચેરમેનોની ગતિવિધી શરૂ થશે. આ ઉપરાંત ભાજપ પાર્ટી નેતા તરીકે હરેશ મકવાણા અથવા ડી.ડી. ગોહેલને ફરીને નેતા પદ માટે લેવા તેવી પણ વાત અંદરથી ચર્ચાય રહ છે પરંતુ હાલમાં તો આ બધી ચર્ચાઓ વચ્ચે મેયર માટે યુવરાજ અને સ્ટે.કમિટી ચેરમેન માટે રાજુભાઈ રાબડીયા નગરસેવકોની નજરમાં અને ચર્ચામાં આગળ ઉપર દોડી રહયા છે. જો કે, છેલ્લી વાત મુજબ યુવરાજસિંહ માટે મેયર પદ હાલ લોખંડના ચણા ચાવવા જેવી બાબત ઉભી થઈ રહી છે, પરંતુ તેઓ નશીબના ખેલની વાત કરે છે તો રાજુભાઈ રાબડીયા ધારાસભ્ય અને પ્રધાનની નજીક હોવાની વાતો દોહરાવી રહયા છે. આ બધી સ્થિતીમાં આ પદ્દો પર હાલ ભારે રસાકસીનું વાતાવરણ સર્જાય રહયુ છે. ભાજપના નગરસેવકો હવે આ બંન્ને પદો માટે આ બંન્ને મહાનુભાવોને જોઈને તમારૂ પાકુ છે તેવી કોમેન્ટો પણ કરી રહયા છે. જોઈએ જુનમાં થનારી આ ચૂંટણીમાં કોણ મેદાન મારી જાય છે, તેની ગતિવિધીનું વાતાવરણ સર્જાય રહયુ છે.