ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત મુદ્દાઓને લઈ બેઠક યોજાઈ

93

ક્રિપ્ટોકરન્સી ને લઈને મોદી સરકાર સતર્ક : બેઠકમાં ચર્ચા કરાઈ કે અનિયંત્રિત Crypto માર્કેટ મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગનું માધ્યમ પણ બની શકે છે
નવી દિલ્હી, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં એવી જરૂરિયાત અનુભવવામાં આવી હતી કે ઉચ્ચ નફાકારક અને બિનપારદર્શક રીતે જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો બંધ કરવામાં આવે. બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે અનિયંત્રિત Cry માર્કેટને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગનો સ્ત્રોત બનવાની મંજૂરી આપી શકાય નહીં. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, સરકાર જાણે છે કે, આ એક ઉભરતી ટેક્નોલોજી છે, તેથી સરકાર તેના પર ચાંપતી નજર રાખી રહી છે અને આ સંદર્ભે ઘણા જરૂરી પગલાં પણ ઉઠાવશે. આ મામલે સરકારે પ્રગતિશીલ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ પગલાં લેવા જોઈએ તેવી પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આ મામલે નિષ્ણાતો અને હિતધારકો સાથે વાત કરવાનું ચાલુ રાખશે. આ મામલો દેશોની સીમાઓમાં બંધાયેલો ન હોઈ શકે, તેથી આ મામલે વૈશ્વિક ભાગીદારીની પણ જરૂર છે. નાણા તથા ગૃહ મંત્રાલય અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. વિશ્વના વિકસિત દેશોમાં ક્રિપ્ટો માર્કેટને લઈને અપનાવવામાં આવેલી નીતિઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી હકીકતમાં, તાજેતરના ભૂતકાળમાં, ક્રિપ્ટોકરન્સીના બજારમાં અચાનક વધારો થયો છે. આ સાથે જોડાયેલી જાહેરાતોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. જેમાં અનેક પ્રકારના ભ્રામક વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. આ નવી ટેક્નોલોજી માર્કેટ હોવાથી યુવાનો તેમાં લાલચમાં ફસાઈ જવાની શક્યતાઓ વધારે છે. આ જ કારણ છે કે સરકાર હવે તેના પર વિશેષ ધ્યાન આપી રહી છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે, જે રીતે માર્કેટમાં ક્રિપ્ટોકરન્સીનો વેપાર થઈ રહ્યો છે તેનાથી આરબીઆઈ ચિંતિત છે. આરબીઆઈની ડિજિટલ કરન્સી એક વસ્તુ છે અને ક્રિપ્ટોકરન્સી સંપૂર્ણપણે અલગ છે. સરકાર અને આરબીઆઈ બંને નાણાકીય સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. અમે ક્રિપ્ટોકરન્સી સંબંધિત તમામ ચિંતાઓ વિશે સરકારને જાણ કરી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૧૧,૨૭૧ નવા કેસ નોંધાયા