અકવાડા ગામે બિન આરોગ્યપ્રદ ખોરાક ખાઈ લેતા આઠ જેટલાં ઘેટાં-બકરાંના મોત પીલગાર્ડન પાછળ કોઈ 30 જેટલાં મૃત કબુતર ફેંકી ફરાર
ભાવનગરમાં બે અલગ અલગ ઘટનાઓમાં અબોલ જીવોનાં મોત નિપજતાં જીવદયા પ્રેમીઓ-પક્ષી પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ છે. પ્રથમ બનાવમાં અકવાડા ગામે ઝેરી શિખંડ ખાતા આઠ જેટલાં ઘેટાં બકરાં એ તડફડીને દમ તોડ્યો હતો. જ્યારે બીજા બનાવમાં શહેરના પીલગાર્ડન પાછળ હનુમાનજી મંદિર પાસે કોઈ શખ્સ 30 જેટલા મૃત કબુતરોના મૃતદેહ ફેકી જતાં રહેતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે.
આ અંગે પ્રથમ બનાવમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અકવાડા ગામના માલધારીઓના ઘેટાં બકરાં નિત્યક્રમ મુજબ ચારો ચરવા સીમમાં જઈ રહ્યાં હતાં તે વેળાએ ગામની ભાગોળે કોઈ વ્યક્તિ એ બિન આરોગ્યપ્રદ ઝેરી શિખંડનો મોટો જથ્થો જાહેરમાં ફેક્યો હોય આ ઝેરી શિખંડ ઘેટાં બકરાંએ આરોગી લેતાં એક બાદ એક આઠ ઘેટાં બકરાંની તબિયત લથડી હતી. આ અબોલ જીવોને વેટરનરી તબિબ દ્વારા કોઈ સારવાર મળે તે પૂર્વે તડફડીને મોતને ભેટ્યા હતાં જેને પગલે માલધારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે માલધારીઓ માં ભારે રોષ ફેલાયો હતો. બીજા બનાવમાં શહેરના પીલગાર્ડન પાછળ આવેલા શંકરસુવન હનુમાનજી મંદિર પાસે આજે સવારે કોઈ અજાણ્યા શખ્સો ત્રીસ જેટલા કબુતરોના મૃતદેહ ફેકી ફરાર થઈ જતાં આ અંગે મંદિરના પૂજારીએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. આથી જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે અરજી લઈ તપાસ હાથ ધરી હતી. એક જ દિવસમાં અબોલ જીવોના મોતની ઘટના ઘટતા જીવદયા પ્રેમી ઓમાં ભારે રોષ સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ છે.