દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી ૫૦ ટકાથી વધુ કેરળમાં : ૧૨૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો : ૧૧,૯૨૬ લોકો કોરોના સામે જંગ જીત્યા : રિકવરી રેટ ૯૮.૨૬ ટકા
નવી દિલ્હી, તા. ૧૫
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૩૮માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૪૧માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૨૨૯ નવા કેસ નોંધાયા છે અને ૧૨૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૧,૯૨૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૨૩ દિવસના નીચલા સ્તર ૧,૩૪,૦૯૬ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૮૪૮ કેસ નોંધાયા છે અને ૪૬ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૧૨,૩૪,૩૦,૪૭૮ પર પહોંચ્યો છે. ઝાયડસ કેડિલાની કોવિડ-૧૯ વેક્સિન ઝાયકોવ-ડી હાલમાં ફક્ત પુખ્ત વયના લોકોને જ આપવામાં આવશે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના ડ્રગ રેગ્યુલેટરે ઝાયકોવ-ડીને ૧૨ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની મંજૂરી આપી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સરકારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ઝાયકોવ ડી વેક્સિનને સમાવવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં આ કાર્યક્રમ હેઠળ આ વેક્સિન પણ આપવામાં આવશે. મંત્રાલયે અમદાવાદ સ્થિત ફાર્મા કંપની પાસેથી એક કરોડ ઝાયકોવ ડી વેક્સિન ખરીદવાનો ઓર્ડર પણ આપી દીધો છે. સરકાર આ વેક્સિનનો એક ડોઝ ૨૬૫ રૂપિયાના ભાવે ખરીદશે. કંપની આ વેક્સિન આપવા માટે જરૂરી નિડલ ફ્રી એપ્લિકેટર ૯૩ રૂપિયાના ભાવે આપશે.