સુરતથી પરીવાર પાલીતાણાના મોખડકા ગામે લગ્ન પ્રસંગે આવી રહ્યો હતો તે વેળાએ અકસ્માત સર્જાયો : ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર જિલ્લાના સોનગઢ-પાલીતાણા હાઈવે પર પીપરલા ગામ નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક તથા કારમાં મુસાફરી કરી રહેલ એક વૃદ્ધા નુ મોત નિપજ્યું હતું જયારે ૩ વ્યક્તિ ઓને નાનીમોટી ઈજા સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલ આશિષ અરવિંદભાઈ સોનાણી તેની માતા સવિતાબેન તથા પરીવારના કેયુર નરેશભાઈ સુતરીયા વસંતબેન ગોપાલભાઈ ગઢીયા તથા ભાવનગર શહેર માં રહેતી વૃદ્ધા શાંતુબેન નાનું ભાઈ સુતરીયા ને પોતાની ક્રેટા કાર નંબર જી-જે-૦૫ આરજે ૬૭૩૭ લઈને પાલીતાણા તાલુકાના મોખડકા ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યાં હતાં તે વેળાએ સોનગઢ-પાલીતાણા રોડપર પીપરલા ગામ પાસે પાલીતાણા તરફથી આવી રહેલ ડબ્બલ સવારી બાઈક ચાલક પ્રવિણ રામસંગ સોલંકી તથા પ્રકાશ બાબુ સોલંકી બાઈક નંબર જી-જે-૭-એકે ૮૨૧એ પોતાની બાઈક પરનો કાબૂ ગુમાવતાં બાઈક કાર સાથે ધડાકાભેર અથડાવતા કાર ચાલકે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર રોડપર પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં બાઈક ચાલક પ્રવિણ ને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે કારમાં સવાર શાંતુબેન નાનુંભાઈ સુતરીયા ઉ.વ.૭૫ ને પણ ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું જયારે કાર ચાલક આશિષ સવિતાબેન કેયુર અને વસંતબેન ને નાની મોટી ઈજા સાથે પ્રથમ સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા આ બનાવમાં બાઈક પાછળ બેઠેલ પ્રકાશ ને પણ ઈજા પહોંચી હતી જેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બાઈક સવારો વડાવળ ગામે રહે છે અને કુંભણ ગામે મજુરીકામે જઈ રહ્યાં હતાં આ બનાવની જાણ સોનગઢ પોલીસને થતાં પીએસઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.