નોનવેજ ફૂડ વેચતા લોકોના સંગઠને ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી, નાના ધંધાર્થીઓની રોજીરોટી અકબંધ રાખવા અનુરોધ

151

ટ્રાફિકને અડચણરૂપ ન હોય તેવા તથા ધાર્મિક સ્થળો સિવાયના સ્થળોએ નોનવેજની લારીઓ શરૂ રાખવા માંગ
ભાવનગર સહિત રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ મહાનગરમાં ઇંડા-આમલેટ સહિત નોનવેજ ફૂડનું જાહેરમાં વેચાણ કરતાં લારી-ગલ્લા હટાવવા મુદ્દે આજે બુધવારના રોજ ભાવનગર મહાનગરપાલિકા ખાતે નોનવેજ ફૂડ વેચાણ સાથે સંકળાયેલા લોકો દ્વારા કાયદા મુજબ રોજીરોટી રળવા દેવાની માંગ સાથે ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી મહાનગરોમાં ઇંડા-આમલેટ, નોનવેજ ફૂડના જાહેરમાં વેચાણને અટકાવવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રીથી લઈને અન્ય મંત્રીઓ અલગ અલગ અને વિરોધાભાસી નિવેદનો કરી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી નોનવેજ ફૂડનું લારી-ગલ્લાઓમા વેચાણ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યું હોવાથી ગરીબ વર્ગના પરીવારોની રોજીરોટી પર ગંભીર અસરો વર્તાઈ રહી છે. આવા નોનવેજ ફૂડનું વેચાણ કરતાં લોકોના એક સંગઠને આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં નોનવેજ ફૂડના વેચાણ કરતાં લોકોએ એવી રજૂઆત કરી હતી કે કોરોના મહામારીના કાળમાં અનેક પરીવારો રોજગાર વિહોણા બન્યાં છે અને હાલમાં માંડ માંડ પરિસ્થિતિ થાળે પડી રહી છે, ત્યારે આ વ્યવસાય પર શહેરના અનેક પરીવારો આધાર રાખે છે. જેથી શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો તથા ટ્રાફિકને બાધારૂપ સ્થળોને બાદ કરતાં અન્ય સલામત સ્થળે નોનવેજ ફૂડનું વેચાણ શરૂ રાખવા દેવા માંગ કરાઈ હતી અને એવી બાંહેધરી પણ આપી હતી કે નોનવેજ ફૂડના વેચાણ કર્તાઓ દ્વારા કાયદાનું પૂર્ણત: પાલન કરાશે. આ આવેદનપત્ર આપતાં સમયે રસુલ સૈયદ, રજાક કુરેશી, ઈલિયાસ મલેક, સોહિલભાઈ, રફીકભાઈ સહિતના નાના-મોટા લારી ધારકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસિગ્નલો તોડનારા હવે સરળતાથી ઝડપાશે
Next articleરાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ભકતોનો અભૂતપૂર્વ પ્રવાહ યથાવત