શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ

817
guj852018-7.jpg

ગઇકાલે મોડી રાતે રાજકોટના શાપર વેરાવળમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. શાપર વેરાવળમાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નાફેર્ડ દ્વારા ખરીદી કરાયેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. અને આગ ઉપર કાબૂ મેળવવા રાજકોટ, ગોંડલ અને જેતપુરથી આઠ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ ત્રણ જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે ચોકીદાર પણ હાજર ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગોડાઉનના માલિક નરેન્દ્ર પટેલને શાપર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે અને સઘન પૂછપરછ શરૂ કરાઇ છે.
આ આગમાં અત્યાર સુધીમાં ૪૩ હજારથી વધુ મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે ૨૫થી ૩૦ હજાર બોરીઓ બચાવી લેવામાં આવી છે. છેલ્લા ૧૨ કલાકથી આ આગ યથાવત્‌ હતી. મહત્વનું છે કે છેલ્લા છ મહિનામાં આ ત્રીજી આગની ઘટના બની છે. જેને લઈને રૂપાણી સરકાર પર પણ અનેક સવાલો ઉભા થઈ રહી છે. કારણ કે અગાઉ જે ઘટના બની હતી તે ઘટનાની કાર્યવાહી પણ હજુ સુધી પૂર્ણ નથી થઈ. ત્યારે આ ત્રીજી ઘટના બનતા રૂપાણી સરકાર પર અનેક સવાલો થઈ રહ્યાં છે.  જો કે સમગ્ર ઘટનાની જાણ થતા કલેક્ટર ગુપ્તા અને એસપી અંતરિપ સુદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. હાલ આગ ઉપર કાબુ મેળવવા રાજકોટ, ગોંડલ અને જેતપુરથી આઠ ફાયર ફાઈટર દોડાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ પહેલા ૧૩ માર્ચના રોજ રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી હતી. જેમાં બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાક થયો હતો.
આગને કાબૂમાં લેવા માટે ૧૫ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગોંડલના ઉમરાળા રોડ પાસે જીનિંગ મિલમાં વેરહાઉસમાં રાખવામાં આવેલ ટેકાના ભાવથી ખરીદ કરાયેલ મગફળીના જથ્થામાં આગ ભભૂકી હતી. આ આગમાં બે લાખ બોરી મગફળી બળીને ખાખ થઈ હતી. અને ૧૮ કલાકની મહામહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સતલાસણામા નિવેદન આપતા કહ્યું કે આગ બુઝાઈ ગઈ છે. આગમાં ૩૦ હજાર બોરી બચાવી લીધી છે તેની તપાસ કલેકટર અને ડીએસપી દ્વારા કરવામાં આવી રહી છે.  આ સાથે તેમણે કહ્યું કે તેની ગંભીર નોંધ લઇને ચોક્કસ પગલાં લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આ બીજી વખત આગ લાગી છે.
શાપર વેરાવળ ખાતે નેશનલ કોટેકસ નામના આ ગોડાઉનની માલિકી નરેન્દ્રભાઈ પરસાણિયાની હોવાનુ કહેવાય છે. અહી કુલ આઠ ગોડાઉન છે અને એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં જઈ શકાય એવી રીતના લગોલગ આવેલા છે. એ પૈકીના ચાર ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. આ ગોડાઉનમાં કુલ ૪૦ હજાર ગુણીઓનો સંગ્રહ છે. ગોડાઉનમાં ૨૧૦૦૦ ચોરસ ફુટની સંગ્રહ શકિત છે. આ આગ બાબતે ગોડાઉનના માલિકે જવાબદારીમાંથી હાથ ખંખેરી નાંખ્યા છે એ કહે છે કે બધી જવાબદારી અધિકારીઓની ગણાય અમે માત્ર જગ્યા જ ભાડે આપી છે. રખરખાવની કોઈ જવાબદારી અમારી નથી. આ ગોડાઉનમાં લાઇટ કનેકશન નથી. છતા આગ કેમ લાગી કે લગાડવામાં આવી એ સવાલ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કે તેને હોલવવા માટે પાંચ દિવસ લાગ્યા હતા. આખા ગોંડલને ૧૦ દિવસ સુધી ચાલી રહે તેટલું પાણી આ આગ હોલવવા માટે વપરાયું હતું. આ આગમાં ૨ લાખ મગફળીની ગુણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના બાદ હોબાળો થતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા.
રાજ્યમાં ગુજકોટ(ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ કોટન ફેડરેશન લિમિટેડ) અને નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.)ના ગોડાઉનોમાં વારંવાર લાગતી આગ પાછળ કોઈ ષડયંત્ર હોવાનું ખુદ સરકારે કહ્યું છે. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા રાજ્યના કૃષી મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, ’તાજેતરમાં શાપર ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને કારણે રૂપિયા ત્રણ કરોડ જેટલું નુકસાન થયું છે. વારંવાર આગ લાગવા પાછળ કોઈ કાવતરું હોવાની ગંધ આવી રહી છે. કોઈ તત્વો આવું કૃત્ય કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.’ ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ મગફળીના ગોડાઉનમાં આગ લાગવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરશે, તેમજ આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવશે.

Previous articleતળાવમાંથી કારતુસનો જથ્થો મળતા ચક્ચાર
Next articleરાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો