ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની નિમણુંક કરીને વિવિધ બેઠકો ઉપર સેન્સ પ્રક્રીયા શરૂ કરી દેવાઈ છે. જેમાં આજે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે સેન્સ માટે ધનસુખભાઈ ભંડેરી, રાજેશભાઈ ચુડાસમા તથા ભાનુબેન બાબરીયા આવી પહોચ્યા હતા અને સવારે જિલ્લાની પાંચ બેઠકો પાલીતાણા, મહુવા, તળાજા, ગારિયાધાર અને ભાવનગર ગ્રામ્ય માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા બાદ આજે ભાવનગર પૂર્વ અને પશ્ચિમ માટે ઉમેદવારોને સાંભળ્યા હતા જેમા સાતેય બેઠકો મળીને કુલ ૧૪૮ ઉમેદવારો માટે વિવીધ બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ તળાજા બેઠક ઉપર ૪૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીકનાં સમયમાંજ જાહેર થનાર હોય ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેમાં આજે વિધાનસભાની વિવિધ બેઠકો ઉપર ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોને સાંભળવા તથા તેમનાં બાયોડેટા એકત્ર કરવા માટે આજે ભાવનગર ખાતે પ્રદેશ કક્ષાએથી નિમાયેલા નિરીક્ષકો આવી પહોચ્યા હતા અને સિહોર ખાતે પાંચ બેઠકો માટે ઉમેદવારોને સાંભળ્યા હતા જેમાં ભાવનગર ગ્રામ્ય માટે પરશોત્તમભાઈ સોલંકી સહિત ૨૦ લોકોએ દાવેદારી નોંધાવી હતી જ્યારે તળાજા બેઠક માટે કોળી સમાજનાં અગ્રણી અને ઉદ્યોગપતિ એવા મુકેશભાઈ ચૌહાણ (અમુલભાઈ), શીવાભાઈ, જીતુ ભટ્ટ સહિત ૨૦ લોકોએ ચૂંટણી લડવા ટેકેદારો સાથે દાવેદારી કરી હતી.
મહુવા બેઠક માટે ધારાસભ્ય ભાવનાબેન મકવાણા તેમના પતિ આર.સી. મકવાણા સહિત ૨૦ જ્યારે પાલીતાણા બેઠક માટે મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રવિણભાઈ ગઢવી, સહિત ૨૫ લોકોએ દાવેદારી કરી હતી જ્યારે ગારિયાધાર બેઠક માટે શીવાભાઈ ગોહિલ, વી.ડી. સોરઠીયા, રમેશ ગોપાણી સહિત ૨૨ લોકોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.
બપોરબાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર પૂર્વ અને પશ્ચિમ માટે સેન્લ પ્રકીયા શરૂ કરાયેલ જેમાં વર્તમાન ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર નિમુબેન દવે, મેયર નિમુબેન, ચેરમેન સુરેશ ધાંધલ્યા, પ્રમુખ સનત મોદી, બ્રહ્મ સમાજનાં આગેવાન રાજુભાઈ ઉપાધ્યાય સહિત બ્રાહ્મણ, વણીક અને કોળી આગેવાન મળી કુલ ૨૦ વ્યક્તિઓએ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી ટેકેદારો સાથે પોતાનાં બાયોડેટા આપીને રજુઆત કરાઈ હતી જ્યારે ભાવનગર પશ્ચિમ બેઠક માટે સર્વાનુમતે વર્તમાન ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનાં નામની રજુઆત કરવામાં આવી હતી આમ ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે ભાજપમાંથી આજે કુલ ૧૪૮ લોકોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી દાવેદારી નોંધાવી હતી.