વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ : યોજના પાછળ ૬,૪૬૬ કરોડનો ખર્ચ થશે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓ બનાવવામાં આવશે
નવી દિલ્હી, તા.૧૭
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના ૪૪ મહત્વકાંક્ષી જિલ્લાઓના ૭૦૦૦થી વધુ ગામમાં મોબાઈલ ટાવર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે આ ગામડાઓમાં ૪ય્ મોબાઈલ સેવા આપવાનો નિર્ણય લીધો છે. આ યોજના પાછળ રૂ. ૬૪૬૬ કરોડનો ખર્ચ થવાનો અનુમાન છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, એવા જિલ્લાઓ જ્યાં ટેલિકોમ ટાવર અને કનેક્ટિવિટી નથી. સરકારે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના ૪૪ જિલ્લાઓના ૭,૨૬૬ ગામોમાં મોબાઈલ ટાવરની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. આ યોજના પાછળ ૬,૪૬૬ કરોડનો ખર્ચ થશે. આટલું જ નહીં, ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારો અને આદિવાસી વિસ્તારો કે જેઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં રોડ સંપર્કમાં કવર કરવામાં આવ્યા ન હતા તેમને લાભ મળશે. તેમણે કહ્યું કે, સરકારે નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના દૂરના વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં આવશે. આ રસ્તાઓ ગાઢ જંગલો, પહાડો અને નદીઓમાંથી પસાર થશે. આદિવાસી વિસ્તારોને પણ આ પ્રોજેક્ટનો લાભ મળશે. પ્રોજેક્ટ હેઠળ ૩૨,૧૫૨ કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે અને આ માટે અંદાજિત કુલ ૩૩,૮૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.