રાજયના શહેરી વિસ્તારમાં વસતા મકાન વિહોણા લોકોને આવાસ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્યમાં વિવિધ યોજના હેઠળ ૪,૪૮,૧૭૧ આવાસોના નિર્માણનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ૨,૧૭,૭૨૫ આવાસો પૂર્ણ કરીને લાભાર્થીઓને પુરા પડાયા છે. જ્યારે બાકીના આવાસો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. આવાસોના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના અંદાજપત્રમાં ૧૧૫૮ કરોડ રકમની માતબર ફાળવણી પણ કરાઈ છે એમ મ્યુનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન કમિશનરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્યમાં વર્ષ ૨૦૧૫થી અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ના ચાર ઘટકો હેઠળ ૧,૬૮,૪૩૭ મંજુર આવાસો સાથે શ્રેષ્ઠ કામગીરી થકી યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. રાજ્ય સરકારની આ શ્રેષ્ઠ કામગીરીના કારણે અન્ય રાજ્યોના અધિકારીઓ ગુજરાતના પ્રવાસે આવીને અભ્યાસ કરી રહ્યા છે. આ આવાસ યોજનાઓ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્લાસ ઘટકમાં ૨૯,૪૪૬ લાભાર્થીઓને સાંકળીને કુલ ૬૩૪.૯૨ કરોડની વ્યાજ સહાયનો લાભ પુરો પડાયો છે. તેમાં પણ ગુજરાત અગ્રીમ સ્થાને છે. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ક્લાસ ઘટક માટે ગુજરાતને પ્રથમ રેન્ક સાથે સન્માનિત પણ કરાયું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૮થી અમલી યોજના હેઠળ ૧,૨૭,૮૩૫ મંજુર આવાસો સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે તથા વર્ષ ૨૦૧૩થી અમલીકૃત રોય યોજના હેઠળ ૨૯,૪૫૧ મંજુર આવાસો સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે જે રાજ્ય સરકારની હકારાત્મક અભિગમ-નીતિને આભારી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડીટ લીંક્ડ સબસીડી સ્કીમ ઘટકમાં વર્ષ ૨૦૧૭-૧૮માં રાજ્ય સરકારની વધારાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ઈન સીટુ સ્લમ રીડેવલપમેન્ટ ઘટક હેઠળ સુંદર કામગીરીને મોડલ રૂપે અન્ય રાજ્યોમાં અમલી કરાવવા માટે અને બીજા રાજ્યોના અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, દ્વારા ગુજરાતને કાર્યશાળાનું આયોજન કરવા જણાવાયું હતું.