આત્મનિર્ભર ગ્રામ યાત્રા અન્વયે જિલ્લામાં રૂ. ૭૫ કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત થશે : ગ્રામ્ય જીવનને સ્પર્શતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચતાં ગ્રામ્ય જીવન ચેતનવંતુ બનશે-વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા
સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાનાં અમરગઢ ખાતે યોજાયો હતો. આત્મનિર્ભર યાત્રાની શરૂઆત કરાવતાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાના લાભ પહોંચાડવા માટે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પહોંચી છે. ગામડું એ ભારત જેવા દેશનો ધબકાર છે. ત્યારે રાજ્યનાં ગામડાં પણ ધમધમતાં થાય તે માટે આત્મનિર્ભર યાત્રા ઉપયુક્ત બની રહેશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અગાઉ લોકોએ સુવિધાઓ માટે માંગણી કરવી પડતી હતી. પરંતુ અમારી સરકાર તો સામેથી લોકોના દ્વાર પહોંચીને વિવિધ યોજનાકીય લાભો આપી રહી છે. તેમણે જણાવ્યું કે, ગ્રામજીવન પણ ચેતનવંતુ બને તે માટે કૃષિ, વન, પર્યાવરણ, સિંચાઈ જેવા વિભાગોના સંકલન દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ તેમના ધર આંગણે જ કર્યું છે. મંત્રીએ ઉમેર્યું કે, આજથી શરૂ થયેલ જિલ્લા કક્ષાની યાત્રા અંતર્ગત રૂ.૭૫ કરોડના વિવિધ લોકાર્પણો, ખાતમુહૂર્ત થવાનાં છે. જેનાથી ગ્રામીણ સ્તરે વિકાસની ગતિ વધારે વેગવંતી બનશે. આજે ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યા છે. વી.આઈ.પી. લોકો માટે ઉપલબ્ધ એવી આરોગ્ય સારવાર સામાન્ય લોકો માટે પણ સુલભ બનાવી છે તે રાજ્ય સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. સેવા સેતુ દ્વારા અગાઉ ગ્રામજીવનને સ્પર્શતી ૫૬ સેવાઓ ઉપલબ્ધ કરાવ્યા બાદ પણ અમે અટક્યા નથી કારણ કે, સૌનો સાથ સૌનો વિકાસ એ જ અમારો મંત્ર છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીએ જણાવ્યું કે, આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા અન્વયે ગ્રામીણ વિકાસની યાત્રાની નવી શરૂઆત થઇ છે. લોકો વધુને વધુ વિકાસ કાર્યોનાં લાભ મેળવી આત્મનિર્ભર બને તે માટે આ કાર્યક્રમ ઉપર્યુક્ત બની રહેશે. આ અવસરે ખેડા જિલ્લાનાં મહેમદાવાદથી મુખ્યમંત્રીએ શરૂઆત કરાવેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર યોગેશ નિરગૂડેએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, આજે ભાવનગર જિલ્લામાં શરૂ થયેલ આત્મનિર્ભર યાત્રા અન્વયે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવાનો છે. આ સિવાય રથ દ્વારા ગ્રામ્ય સ્તરે જ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અપાનાર છે ત્યારે તેના વિશે જાણીને વધુને વધુ લોકો લાભાન્વિત થાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન જસાણી, દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ધર્મેશ પટેલ, અમરગઢના સરપંચ નરસિંહભાઈ ચૌહાણ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.