POCSO હેઠળ થશે કાર્યવાહી : સુપ્રીમે સ્કિન ટુ સ્કિન ટચ (Skin-to-Skin Touch) ને લઈને આપેલા બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૮
સુપ્રીમ કોર્ટે સ્કિન ટુ સ્કિન ટચને લઈને આપેલા બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદો ૩૦ નવેમ્બરે અનામત રાખ્યો હતો. જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી પેનલે હાઈકોર્ટના ચુકાદાને રદ કરી નાખ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે કાયદાનો હેતુ અપરાધીઓને કાયદાની જાળમાંથી બચવાની મંજૂરી આપવાનો હોઈ શકે નહીં. અત્રે જણાવવાનું કે બોમ્બે હાઈકોર્ટે પહેલા ચુકાદો આપતા કહ્યું હતું કે સગીરાના આંતરિક અંગોને કપડાં હટાવ્યા વગર સ્પર્શવા એ સેક્સ્યુઅલ અસોલ્ટ નથી. હાઈકોર્ટની નાગપુર બેન્ચના જજ પુષ્પા ગનેડીવાલાએ ૧૯ જાન્યુઆરીએ ચુકાદો આપતા કહ્યું કે જ્યાં સુધી ટસ્કિન ટુ સ્કિન ટચ (Skin-to-Skin Touch)’ ન થાય, ત્યાં સુધી યૌન ઉત્પીડન માની શકાય નહીં. પુષ્પા ગનેડીવાલાએ કહ્યું હતું કે કોઈ હરકતને યૌન હુમલો માનવા માટે ગંદી દાનતથી ત્વચાથી ત્વચા (સ્કિન ટુ સ્કિન) નો સંપર્ક હોવો જરૂરી છે. એક ૧૨ વર્ષની છોકરીનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ૩૯ વર્ષના પુરુષને સેશન કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જેના ચુકાદામાં સંશોધન કરતા જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ રોક લગાવી હતી. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે માત્ર સ્પર્શવાથી યૌન શોષણની પરિભાષામાં તે આવતું નથી. અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટ પાસે ચુકાદો રદ કરવા માટે ગુહાર લગાવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી પણ ખાસ અરજી દાખલ કરી બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ૨૭ જાન્યુઆરીના રોજ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી.